અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી અને ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાએ તેની આવક અને બચતનાં રૂ.ર.પ૦ લાખ અમિયાપુરમાં આવેલા મેરુધામ જૈન તીર્થમાં જૈન મુનિ મલાયસિંગ વિજયસૂરિજી મહારાજને સાચવવા માટે આપ્યા હતા, પરંતુ તેના આ રૂપિયા જૈન તીર્થમાં કામ કરતો યુવક મુનિના કબાટમાંથી ચોરી કરી રફુચક્કર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આ સમગ્ર બનાવ અંગે મહિલાએ અડાલજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લેકવ્યૂ સોસાયટીમાં રહેતા આશાબહેન મહેતા (નાગર) (ઉ.વ.૪૩) પોતાના ઘેર પલક ગૃહ ઉદ્યોગના નામે ખાખરા-પાપડનો વ્યવસાય કરે છે. વ્યવસાયની આવક અને તેની બચતના રૂપિયા તેમના મોટા ભાઇ જેઓ જૈન સાધુ છે તેમને સાચવવા આપતાં હતાં.
આશાબહેનના મોટા ભાઇ મલાયસિંગ વિજયસૂરિજી મહારાજ અમિયાપુરમાં આવેલ મેરુધામ જૈન તીર્થમાં રહે છે ત્યાંનો વહીવટ પણ સંભાળી રહ્યા છે. આશાબહેનના બચતના રૂ.ર.પ૦ લાખ તેમના ભાઇને તેમણે સાચવવા આપ્યા હતા. આ રૂપિયા મલાયસિંગ વિજયસૂરિજી મહારાજે ઉપાશ્રયમાં કબાટમાં મૂક્યા હતા. બે દિવસ પહેલાં મેરુધામ જૈન તીર્થમાં ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ ઉર્ફે રંગતસિંહ રાઠોડ (રહે. મહુડી)એ કબાટની ચાવી લઇ કબાટમાં રહેલા રૂ.ર.પ૦ લાખ ચોરી લીધા હતા.
આ અંગેની જાણ થતાં આશાબહેન તાત્કાલિક જૈન તીર્થ અમિયાપુર પહોંચી ગયાં હતાં. આશાબહેને અડાલજ પોલીસ સ્ટેશનમાં વીરેન્દ્રસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જા કે, આ બનાવને પગલે જૈન સમાજમાં ભારે ચર્ચા ચાલી છે.