નવીદિલ્હીઃ ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થયા બાદ કેન્દ્ર સરકાર તરફથી ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરવામાં આવી છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આજે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, લોકોને દહેશતમાં રહેવાની કોઇ જરૂર નથી.
સરકાર માને છે કે, થોડાક દિવસોમાં જ રૂપિયો મજબૂત થશે અને પોતાની અગાઉની સ્થિતિ હાંસલ કરી લેશે. આર્થિક મામલાઓના સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું છે કે, સ્થિતિ હાલમાં ચિંતાજનક નથી. આ ઘટાડો બહારના પરિબળોના લીધે થઇ રહ્યો છે. ભવિષ્યમાં આમા સુધારો થશે.
ગર્ગનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયો પ્રથમ વખત ૭૦ના આંકડાને પાર કરી ગયો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે આ મુજબની પ્રતિક્રિયા અપાઈ છે. કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું છે કે, આખરે મોદી સરકારે તે કામ કરી બતાવ્યું છે જે ૭૦ વર્ષમાં ક્યારેય થયું નથી. આમ આદમી પાર્ટીએ પણ આવી જ પ્રતિક્રિયા આપી છે.
અમેરિકા દ્વારા તુર્કી પાસેથી મેટલ આયાત પર ડ્યુટી બે ગણી કરવાના પરિણામ સ્વરુપે દુનિયાભરના બજારોમાં અફડાતફડી જાવા મળી રહી છે. પહેલાથી જ બેહાલ તુર્કીની કરન્સી લીરામાં ભારે ઘટાડો થયો છે. જેના લીધે અન્ય વૈશ્વિક કરન્સીમાં પણ ઘટાડો થયો છે. આરબીઆઈનું કહેવું છે કે, રૂપિયામાં નબળાઈને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે.