ગીતા દર્શન
“ એષા તેડભિહિતા સાંખ્યે બુધ્ધિર્યોગે ત્વિમાં શૃણુ II
બુદધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસિ II ૨/૩૯ II”
અર્થ :
“ મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દ્રષ્ટિએ કરી. હવે કર્મની દ્રષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મના ફળ ને લઇને જો તને કોઇ ભય હોય તો તું તેનાથી મુક્ત થઇ જાય. “
ભગવાન હવે અર્જુનજીને કર્મ એટલે શું ? કર્મના ફળ કેવા? કર્મ કઇ રીતે કરવું ? કેવી ભાવના થી કરવું આ બધી બાબતો સમજાવવાની તરફ જઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે જ્ઞાનની વાત કરી છે. એ જ્ઞાન માં શરીર આત્મા અને અવતાર વિશે જ્ઞાન આપ્યું પરંતુ હવે પછીના શ્ર્લોકોમાં ભગવાન કર્મયોગ અર્થાત કર્મના ફળ તેમાં જ કર્મના બંધનમાંથી કઇ રીતે મુક્ત થઇ શકાય છે તેની વાત કરવાના છે. સમગ્ર ગીતાનો સારાંશ આમ જોઇએ તો એ છે કે દરેકે કૃષ્ણ મય થઇ ભક્તિ કરવાની છે. દરેક કર્મ પણ કૃષ્ણમય થઇને જ કરવાનું છે. બુધ્ધિ યોગની જ્યારે વાત કરીએ ત્યારે બુધ્ધિ એટલે જ્ઞાન અને યોગ એટલે નિષ્કામ ભાવે કર્મ કરવું તે. જુદી જુદી ભગવદ ગીતાના પુસ્તકોમાં “ સાંખ્ય”, “ બુધ્ધિ “, “ યોગ” વગેરે શબ્દોનાં જુદાંજુદાં અર્થઘટનો જોવા મળે છે . અને આવાં બધાં વિદ્વતા પૂર્ણ અર્થઘટનોમાં ઊંડાઉતરવા જઇએ તો આપણું ચિત્ત પણ ચકડોળે ચઢી જાય તેવું બની શકે છે. તેથી આપણે તો કૃષ્ણભાવે કર્મ અને ભક્તિ કરવી, ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું, દેહ અને ઇન્દ્રીય સુખનો મોહ છોડી દેવો કેમ કે તે બધાં સુખ નાશવંત છે. આમ સરળ અર્થ ની રીતે જોવા જઇએ તો સાદગી- સાત્વિકતા- પ્રભૂનો એકરાર અને નિષ્કામ કર્મ એ જ મુખ્ય છે.
અસ્તુ.
અનંત પટેલ