અમદાવાદઃ રાજયમાં યુવાધન ડ્રગ્સ અને માદક પદાર્થોના નશાના રવાડે ચડી ગયું છે અને ગુજરાતમાં ખાસ કરીને યુવાઓમાં નશાયુકત પદાર્થના સેવનના કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો હોવાની વાત સામે આવતાં ખુદ રાજય સરકાર અને પોલીસ તંત્ર હવે હરકતમાં આવ્યું છે.
ગુનાખોરી અને નશાબંધીને લઈ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી હતી કે, રાજ્યમાં નશાબંધીનો કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં આ મામલે એટીએસ(એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ)ના માર્ગદર્શન હેઠળ એસઓજી(સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ)કાર્યવાહી કરશે. તાજેતરમાં ગુજરાતમાં નશાયુક્ત પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે આગામી દિવસોમાં રાજયભરની શાળા-કોલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં અસરકારક ચકાસણી-તપાસ હાથ ધરાશે. ડ્રગ્સ અને માદક પદાર્થનો કાળો ધંધો કરવાની સાથે તેના ઉપયોગમાં ગુજરાત પણ હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પાંચ વર્ષમાં રાજ્યના યુવાઓમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું હોવાનુ માની રહી છે. પહેલા કાશ્મીરથી મુંબઇ કે રાજસ્થાન થઇને ગુજરાતમાં ડ્રગ્સ લવાતું અને અહીંથી કેરીયર મારફતે ડ્રગ્સ રીસીવરને અપાતું હતું. પરંતુ હવે કેરીયર તરીકે નાઇઝીરીયનનો ઉપયોગ ગુજરાતમાં વધી રહ્યો છે. એવું પણ મનાઇ રહ્યું છે કે યુવાઓ પાર્ટીઓ કરવાના બહાને ગેરકાયદેસર ડ્રગ્સ ખરીદીને નશો કરી રહ્યા છે. જેમાં ગુજરાતનાં તમામ મોટા શહેરો મોખરે છે. નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના મતે, અમદાવાદમાં સૌથી વધુ યુવાઓ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે વડોદરામાં ડ્રગ્સનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
થોડા દિવસ પહેલા ગુજરાત નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના જોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમે ડ્રગ્સના ઘણા કેસ કર્યા છે. તેમાં ડ્રગ્સ રિસીવર અને કેરીયરની ધરપકડ કરી છે. અમે કરેલા કેસમાં વિદેશી નાગરિકોનો પણ કેરીયર તરીકે ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરતામાં યુવાઓમાં સામાન્ય રીતે ડ્રગ્સનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધુ છે. રાજયનાં તમામ મોટા શહેરમાં યુવાઓ ડ્રગ્સનો ઉપયોગ કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
નાર્કોટિક્સ કંટ્રોલબ્યુરોના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩થી સતત ગુજરાતમાં ડ્રગ્સની રેડમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં ૬,વર્ષ ૨૦૧૪માં ૭, વર્ષ ૨૦૧૫માં ૬, વર્ષ ૨૦૧૬માં ૯, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને ચાલુ વર્ષના છ મહિનામાં જ ૬ રેડ થઇ ચૂકી છે. આ સમગ્ર આંકડા પરથી માલૂમ પડે છે કે, ડ્રગ્સ ગુજરાતના યુવાધનને કઇ રીતે બરબાદ કરી રહ્યું છે.
રાજયમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડયુ હોઇ હવે સરકાર અને ખુદ પોલીસ તંત્ર પણ ચિંતિત બન્યું છે અને તે હેતુથી જ હવે સરકારે આ મામલાને ગંભીરતાથી લઇ પોલીસને રાજયની શાળા-કોલેજામાં ચકાસણી-તપાસ ઝુંબેશ આદરવાના નિર્દેશો આપ્યા છે. જો કે, પોલીસ સમગ્ર કામગીરી ગુપ્તતા સાથે પણ હાથ ધરે તેવી શકયતા છે કે જેથી યુવાવર્ગ એલર્ટ ના થઇ જાય અને પોલીસને કોઇ લીંક કે કડી હાથ લાગતી હોય તો તેમાં કોઇ લુપોલ્સ ના સર્જાય.