કોલકત્તાઃ લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનુ આજે સવારે અવસાન થતા તેમના સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. તેઓ ૮૯ વર્ષના હતા. પોતાના રાજકીય જીવનમાં ચેટર્જી ૧૦ વખત સાંસદ તરીકે રહ્યા હતા. હાલમાં એટેક થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ સુધી તેઓ વેન્ટીલેટર પર હતા. ગયા મહિનામાં તેમને બ્રેન હેમરેજનો હુમલો પણ થયો હતો.
એક દિવસ પહેલા જ તબીબોએ કહ્યુ હતુ કે કિડનીની તકલીફ પણ તેમને હતી. ચેટર્જીને હાલમાં ગંભીર સ્થિતીમાં હોસ્પિટલમાં દાખખલ કરવામાં આવ્યા હતા. તેમના પર ડાયાલિસીસ પ્રક્રિયા ચાલી રહી હતી. આવા મામલામાં કેટલીક વખત હાર્ટ કામ કરવાનુ બંધ કરી દે છે.
બીજી બાજુ તેમના અવસાન બાદ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અવસાન પર દુખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યુ છે કે અમારા સંસદીય લોકતંત્રને મજબુત કરવામાં તેમની ચતાવીરૂપ ભૂમિકા હતી. તેઓ ગરીબ અને વંચિત લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમની સંવેદનના ચેટર્જીના પરિવારની સાથે છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તમામ સાંસદ પાર્ટી લાઇનથી અલગ હટીને તેમની પ્રશંસા કરતા હતા. પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જી લોકપ્રિય વકીલ નિર્મલ ચન્દ્ર ચેટર્જીના પુત્ર હતા. નિર્મલ ચન્દ્ર અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમની સાથે તેમની રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૬૮માં પાર્ટી સાથે જોડાયા હતા. વર્ષ ૨૦૦૮ સુધી પાર્ટીની સાથે જોડાયેલા રહ્યા હતા. વર્ષ ૧૯૭૧માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ રાજનીતિમાં ક્યારેય પાછળ વળીને જોયુ ન હતુ. ચેટર્જી ૧૦ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. એક કુશળ સાંસદ તરીકે તેમને હમેંશા યાદ કરાશે.