અમદાવાદઃ શહેરના ઓઢવમાં આવેલી પંજાબ નેશનલ બેંકના એટીએમ મશીનને કાપીને ચોરી કરવા આવેલા બે શખ્સોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બેંક સત્તાધીશો દ્વારા ગોઠવેલી સુરક્ષા સીસ્ટમ મુજબ, જેવું ચોર શખ્સોએ એટીએમ મશીન કાપવાનું શરૂ કર્યું કે તરત જ મશીનમાં ચોર ચોર..નો જારજારથી અવાજ આવવા માંડયો હતો, જે સાંભળી બંને ચોર ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક બાઇક પર બેસીને ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા. જો કે, એટીએમમાં ગોઠવાયેલા છુપા સીસીટીવી કેમેરામાં ચોર શખ્સોની કરતૂત કેદ થઇ ગઇ હતી. જેને પગલે ઓઢવ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બંને ચોર શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવમાં આવેલી પંજાબ નેશનલ બેંકના એટીએમ મશીનને કાપીને ચોરી કરવા આવેલા બે શખ્સો શટર કાપીને એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા હતા. ચોરી કરવા આવેલા શખ્સો મોઢે રૂમાલ બાંધેલો હતો, પરંતુ જેવું તેઓએ એટીએમ મશીન કાપવાનું શરૂ કર્યુ કે તે પહેલાં તરત જ ચોર ચોર….નો જોરજોરથી અવાજ મશીનમાંથી આવવા માંડયો હતો, ચોર ચોરની બૂમો મશીનમાંથી સંભળતાં બંને ચોર ગભરાઇ ગયા હતા અને તરત જ શટર ખોલી એટીએમ સેન્ટરમાંથી નાસી છૂટયા હતા. જો કે, બંને ચોરની કરતૂત એટીએમના છુપા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
દરમ્યાન આ બનાવ અંગે પંજાબ નેશનલ બેંકના મેનેજરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ચોરી કરવા આવેલા શખ્સો બાઇક પર આવ્યા હતા અને ભાગતી વખતે એક ચોર પડી પણ ગયો હતો. પોલીસે તમામ સીસીટીવી ફુટેજના આધારે આરોપી ચોર શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.