શાળાઓ મનફોવે તે રીતે ફી વસૂલતા સંચાલકો સામે કાયદેસર લગામ લગાવવામાં આવી છે. હાઇકોર્ટે ફી અધિનિયમ કમિટીને પણ બંધારણીય ઠેરવી છે. ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ફી એક્ટ-૨૦૧૭ની કાયદેસરતાની પડકારતી સેલ્ફ ફાઇનાન્સ – પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકોની અરજી હાઇકોર્ટ ફગાવી સરકારના કાયદાને બંધારણીય ઠેરવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી લગભગ બે હજાર કરતાં પણ વધુ પ્રાઇવેટ શાળાઓએ સરકારના કાયદા સામે અરજીઓ કરી હતી.
કેસની બાબત એ પ્રમાણે હતી કે રાજ્ય સરકારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા આડેધડ લાખો રૂપિયાની ફી વસૂલાત સામે માર્ચ મહીનામાં ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ફી એક્ટ-૨૦૧૭ બહાર પાડ્યો હતો. ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવા સરકાર અને હાઇકોર્ટને આદેશ કર્યો છે. સરકારની આ જોગવાઇઓ સામે સંચાલકોએ હાઇકોર્ટમાં પડકારી હતી, જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે રાજ્યને કોઇ સત્તા નથી કે તેઓ તેમનું ફી માળખું નક્કી કરે કારણ કે તેઓ સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલો છે. જ્યારે સીબીએસઇ શાળાઓની દલીલ એ હતી કે રાજ્ય સરકારનો કાયદો તેમને બંધનકર્તા નથી કારણ કે તેઓ કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલ છે. જો કે આ તમામ દલીલોને ફગાવીને હાઇકોર્ટે બેફામ ફી વસૂલવા પર રોક લગાવતા કાયદાને યોગ્ય ઠેરવ્યો છે.
હાઇકોર્ટે કરેલ અવલોકનો મુજબ ખાનગી સ્કૂલો ફી પર નિયમન કરવાની રાજ્ય સરકારને સત્તા છે. ખાનગી શાળા સંચાલકો ફી વસૂલી માટે નફાખોરી કરી શકે નહીં. નફો મેળવવા માટે શાળાઓ કોઇ બહાનાઓ ચલાવી શકાશે નહીં. સગવડ આપવાના બહાને શાળાઓ બેફામ ફી વસૂલી શકે નહીં.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ ફી નિયમન મુદ્દે હાઇકોર્ટના ચુકાદાને સહર્ષ આવકારતાં જણાવ્યું કે હાઇકોર્ટનો આ ચુકાદો રાજ્ય સરકાર, વાલી, વિદ્યાર્થીઓની લાગણીનું પ્રતિબિંબ છે. ફી નિયમનના અમલથી ગુજરાતની મધ્યમવર્ગની જનતાને ફીની ચુકવણીમાં સારો ફાયદો થશે તેમજ રાજ્યના લગભગ ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે અને ખાનગી શાળાના સંચાલકોની મનમાની બંધ થશે.