મુંબઇઃ શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ટ્રેડવોરને લઇને તંગદિલી, ડબલ્યુપીઆઈ ફુગાવા અને ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા સહિત જુદા જુદા પરિબળોની સીધી અસર દેખાશે. આ પરિબળો દલાલસ્ટ્રીટમાં દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા ભજવશે. માર્કેટ સાથે જાડાયેલા લોકો માની રહ્યા છે કે બજારમાં તેજી રહી શકે છે.
ફાઈનાન્સિયલ કાઉન્ટરો ઉપર વેચવાલી રહી હોવા છતાં નવી આશા દેખાઈ રહી છે. સેંસેક્સ નવા સપ્તાહમાં કેટલી સપાટી ઉપર રહે છે તે મહત્વપૂર્ણ રહેશે. શુક્રવારના દિવસે નિફ્ટી ઇન્ડેક્સ ૦.૩૬ ટકા ઘટીને ૧૧૪૨૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે બેંચમાર્ક સેંસેક્સ ૦.૪૧ ટકા ઘટીને ૩૭૮૬૯ની નીચી સપાટીએ રહ્યો હતો પરંતુ સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૮૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. સ્વતંત્રતા દિવસના પ્રસંગે બુધવારના દિવસે શેરબજારમાં રજા રહેશે. કમાણીના આંકડા જારી કરવામાં આવી રહ્યા છે જેમાં ઓઇલ ઇન્ડિયા, કેડિલા હેલ્થકેર, ડીએચએફએલ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા આવતીકાલે ૧૩મી ઓગસ્ટના દિવસે તેમના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જ્યારે ઇન્ડિયા બુલ્સ દ્વારા ૧૪મી ઓગસ્ટના દિવસે પરિણામ જાહેર કરાશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને રોકાણકારોનો આત્મવિશ્વાસ ઘુટી રહ્યો છે.
ડોલર સામે રૂપિયામાં ઉથલપાથલ પણ દેખાઈ રહી છે. રૂપિયો શુક્રવારના દિવસે ૧૫ પૈસા ઘટીને ૬૮.૮૩ની સપાટીએ રહ્યો હતો. નુકસાનને રિકવર કરતા પહેલા રૂપિયો ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયામાં આ વર્ષમાં સાત ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે.