મુંબઇઃ અમેરિકામાં રહીને અભ્યાસ કરનાર ૧.૮૬ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ત્યાંની નવી નીતિ ખતરારૂપ બની ગઈ છે. હકીકતમાં નવમી ઓગસ્ટના દિવસથી અમલી બની ગયેલી નીતિ હેઠળ સ્ટુડન્ટ સ્ટેટસનું ઉલ્લંઘન કરવાના આગલા દિવસે વિદ્યાર્થીઓ અને તેની સાથે રહેલા વ્યક્તિને અમેરિકામાં ગેરકાયદે ગણી લેવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગુ થઈ શકે છે.
અમેરિકામાં ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે નિયમો ખૂબ જ કઠોર કરી દેવામાં આવ્યા છે. પહેલા એવા નિયમ હતા કે ગેરકાયદે ઉપસ્થિતિ તે વખતે જાહેર કરવામાં આવતી હતી, જ્યારે નીતિ નિયમોના ભંગ અંગે માહિતી મળતી હતી અથવા તો ઈમિગ્રેશન જજ દ્વારા આ સંદર્ભમાં આદેશ કરવામાં આવતા હતા, પરંતુ હવે નવી નીતિ કઠોર બનાવી દેવામાં આવી છે. નવી નીતિ હેઠળ જો ઉલ્લંઘનના ૧૮૦ દિવસ બાદ વિદ્યાર્થી અમેરિકા છોડે છે તો ત્રણથી ૧૦ વર્ષ માટે વાપસી પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. કોઈ વિદ્યાર્થી શિક્ષણ સંસ્થામાં અભ્યાસ માટે એક સપ્તાહની અંદર ફરજિયાત સમય મર્યાદાને પૂર્ણ કરતા નથી તો તેને ગેરકાયદે ગણવામાં આવશે.
આ નીતિ હેઠળ જો કોઈ વિદ્યાર્થી માટે સ્ટેટસ જતા રહેશે તો પાંચ મહિનાની અંદર તે ફરી સ્ટેટસ માટે અરજી કરી શકે છે. આવું કરવાની સ્થિતિમાં ગેરકાયદે હાજરીના દિવસોની ગણતરી રોકાઈ જશે. અલબત્ત જો અરજી ફગાવી દેવામાં આવે છે તો અરજી ફગાવી દેવાના આગલા દિવસથી આ પ્રક્રિયા ફરી શરૂ થઈ જશે.
ન્યૂયોર્કમાં ઈમિગ્રેશન એટર્ની અને એક લો ફર્મમાં મેનેજિંગ પાર્ટનર સાયરસ મહેતાનું કહેવું છે કે જો કોઈ વિદ્યાર્થીએ જાણ બહાર પોતાનું સ્ટેટસ ગુમાવી દીધું છે અને તેને મોડેથી આ અંગે માહિતી મળે છે તો ઉલ્લંઘનના દિવસથી જ તેની ઉપસ્થિતિ ગેરકાયદે ગણવામાં આવશે. તેને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.
ઈમિગ્રેશનડોટકોમના મેનેજિંગ એટર્ની રાજીવ ખન્નાનું કહેવું છે કે ક્યારેક કોઈ સંસ્થાની ભૂલચૂકથી ખોટા ડેટા એન્ટ્રી થઈ જાય છે અથવા તો પ્રેકટીકલ ટ્રેનિંગ કરવા માટે વિદ્યાર્થીનું કામ ડિગ્રી સાથે મેળ ખાતું નથી તો તેને ગેરકાયદે જાહેર કરવામાં આવશે. અમેરિકામાં ૧.૮૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓના ભાવિ ઉપર નવી નીતિના કારણે હવે સતત ખતરો રહેશે.