કોલકાતાઃ એનઆરસીના મુદ્દા પર ભારે ધાંધલ ધમાલ બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં વિશાળ રેલી કરી હતી. જેમાં અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા.
શાહે રેલીમાં બાંગ્લાદેશી ઘુસણખોરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. શાહે કહ્યું હતું કે બાંગ્લાદેશી ઘુસણખોરો મમતા બેનર્જીની વોટબેંક તરીકે છે. જેથી તેમની પાર્ટી ટીએમસી એનઆરસીનો જોરદાર વિરોધ કરે છે. શાહે રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપનો અવાજ લોકો સુધી ન પહોંચે તે માટે બંગાળી ચેનલોને બંધ કરી દેવામાં આવી છે. ભાજપે બંગાળ વિરોધી વૃત્તિ ક્યારે પણ અપનાવી નથી. ભાજપના સ્થાપક પોતે બંગાળી હતા, પરંતુ ભાજપ મમતા વિરોધી ચોક્કસપણે છે.
ભાજપ અધ્યક્ષે ટીએમસીને એનઆરસીના મુદ્દા પર ઘેરીને તેજાબી પ્રહારો કર્યા હતા. તેઓએ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે ઇન્દિરા ગાંધીના જમાનામાં કહેવામાં આવતું હતું કે ઈન્દીરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દીરા. અમિત શાહે અનેક જગ્યા ઉપર મુકવામાં આવેલા ભાજપ વિરોધી પોસ્ટરને લઈને પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે બંગાળ વિરોધી નથી, પરંતુ મમતા વિરોધી છીએ. સંસદની અંદર નેશનલ રજીસ્ટ્રાર ઓફ સિટીઝન્સ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે મમતા બેનર્જીએ એનઆરસી ઉપર વિરોધની શરૂઆત કરી હતી. આસામમાં એનઆરસીની પ્રક્રિયાને અમે ન્યાયિક રીતે ખતમ કરીશું. એક સમય હતો ત્યારે બાંગ્લાદેશી ઘુસણખોરો કોમ્યુનિસ્ટ પાર્ટીની વોટબેંક તરીકે હતા. તે વખતે મમતા બેનર્જીએ લોકસભામાં હોબાળો મચાવ્યો હતો અને બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત સ્વદેશ મોકલી દેવા માંગ કરી હતી, પરંતુ હવે જ્યારે બાંગ્લાદેશી ઘુસણખોરો મમતાના વોટબેંકના હિસ્સા તરીકે છે ત્યારે મમતા તેમની કોઈ પરેશાની ન હતી, પરંતુ આજે વોટ બેંકના ચક્કરમાં રાહુલ ગાંધી પોતાનું વલણ સ્પષ્ટ કરી શકતા નથી.
બંગાળની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થાય છે તે બાંગ્લાદેશી ઘુસણખોરો કરે છે કે કેમ તેવો પ્રશ્ન લોકોની વચ્ચે અમિત શાહે કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મમતા બેનર્જી એવા ભ્રમ ફેલાવી રહ્યા છે કે એનઆરસી હેઠળ શરણાર્થી પણ જતા રહેશે, પરંતુ તેઓ ખાતરી આપવા માંગે છે કે શરણાર્થીઓને પરત મોકલવાનો કોઈ કાર્યક્રમ નથી. શરણાર્થીઓને અહીં રાખવાની ભારત સરકારની જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સંબોધનમાં કહ્યું હતું કે જ્યારે સિટીશનશીપ સુધારા આવશે ત્યારે તેઓ સમર્થન કરશે કે કેમ. ઘુસણખોરો જે હિન્દુ મુસ્લિમ સહિત અન્યોના અધિકારોને આંચકી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસની સરકાર આજે છે ત્યારે નારદા, શારદા, રોઝવેલી, ભત્રીજાના ભ્રષ્ટાચારની એક સિરીઝ ચાલી રહી છે.
ભ્રષ્ટાચારથી પશ્ચિમ બંગાળને મુક્ત કરાવવા માટે નરેન્દ્ર મોદીની સરકાર બનશે ત્યારે જ મુક્તિ મળશે. પહેલા જ્યાં બંગાળની અંદર રવિન્દ્રનાથના ગીતો સંભળતા હતા, ત્યાં આજે બોમ્બ બ્લાસ્ટના અવાજ સંભળાય છે. ટીએમસીના શાસનકાળમાં બોમ્બ અને પીસ્તોલ બનાવવાના કારખાના વધી ગયા છે. ટીએમસીના શાસનકાળમાં માતા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવામાં અડચણો પડે છે. સ્કુલોમાં સરસ્વતી પૂજા બંધ કરી દેવામાં આવી છે. અમારી સરકાર બનશે ત્યારે ડંકાની ચોટ ઉપર દુર્ગામાની પ્રતિમાનું વિસર્જન થશે. સ્કુલોમાં સરસ્વતી પૂજા થશે. જો મમતા બેનર્જીએ ફરી વિસર્જન કરવાનો પ્રયાસ કરશે તો ભાજપના લોકો શાંતિથી બેસશે નહીં. આ રેલીથી સ્પષ્ટ દેખાય છે કે બંગાળમાં હવે પરિવર્તન નિશ્ચિત છે.