કોચીઃ કેરળમાં જળ તાંડવની સ્થિતીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવોમાં મોતનો આંકડો વધીને હવે ૩૦ ઉપર પહોંચી ગયો છે. કોચીમાંથી ૨૫૦૦ સહિત અન્ય વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ૫૦૦થી વધારે રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને રાખવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હજુ ચાર લોકો લાપતા પણ થયેલા છે. ૬૦થી વધુ લોકો લોકપ્રિય પ્રવાસી સ્થળ મુન્નારમાં ફસાયેલા છે. ઇડુક્કી ડેમની ક્ષમતા ૨૪૦૩ ફુટ છે અને આજે સવારે દશ વાગ્યા સુધી ડેમમાં ૨૪૦૧.૩૪ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦ જેટલા પરિવારોને માઠી અસર થઇ છે. વિદેશી પ્રવાસીઓ પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે.
પેરિયાર નદીમાં રૌદ્ર સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે. વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યÂક્ત લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.
અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે.
ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતીની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.