ગાંધીનગર ખાતે વિજય રૂપાણી સરકારના શપથવિધી યોજાશે
પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ઉપસ્થિતિ રહેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ગાંધીનગર ખાતે ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સરકાર ૧૪મી વિધાનસભાને આધીન રહેશે. નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ પણ શપથ ગ્રહમ કરશે. આ સરકારમાં ૧૪ રાજ્યમંત્રીઓ અને ૯ કેબિનેટ મંત્રીઓને સમાવેશ થાય તેવી શક્યતા રહેલી છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે ૨૬મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં વિજયભાઇ રૂપાણી ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી તરીકે અને નીતિનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે ગાંધીનગરમાં સચિવાલય ખાતે સવારે ૧૧ કલાકે શપથવિધિ સમારોહ યોજાશે. ૨૬ ડિસેમ્બરના રોદ સવારે ૯:૩૦ કલાકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું એર પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં ભાજપા અને એનડીએના ઘટકપક્ષો શાસિત રાજ્યોના ૧૫ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. જેમાં યોગી આદિત્યનાથજી, મનોહર પારિકર, વસુંધરા રાજે, શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, સોનોવાલ, રઘુબાર દાસ, વગેરે મુખ્યમંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ભાજપાના વરિષ્ઠ નેતા અને સાંસદ એલ.કે.અડવાણી, કેન્દ્રીય મંત્રીઓ, નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, પી.પી.ચૌધરી, ડો.હર્ષવર્ધન, રામવિલાસ પાસવાન, રામદાર આઠવલે, અનુપ્રિયા પટેલ, સાધ્વી નિરંજન જ્યોતિજી વગેરે ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી, ડો.અનિલ જૈન, મંત્રી તરુણ ચગ વગેરે પણ ઉપસ્થિત રહેશે.