ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સરવેની કામગીરી હાથ ધરી છે. આ માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે. – તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ.

જમીન રી-સરવેની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો પૂરે-પૂરા મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખેડૂતોને સહેજ પણ નુકશાન ન થાય તે માટે તેમને સાથે રાખી પ્રશ્નોનું નિરાકરણ કર્યા બાદ જ આખરી પ્રમોલગેશન થાય તે માટે મારાં સહિત મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સહિત ચાર મંત્રીઓની કમીટીની રચના કરી છે જેની આજે પ્રથમ બેઠક મળી હતી. તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં સરવે અંગે થયેલ કામગીરીની વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સર્વે દરમ્યાન રાજ્યમાં ૧ કરોડ ૭૦ લાખ ચો. કિ.મી. જમીનની માપણી કરવામાં આવી છે. માપણી બાદ ખેડૂતોને નકશા મોકલવામાં આવ્યાં હતા અને તેમાં જે વાંધા-સુચનો મળ્યાં હતા તેની પુનઃ માપણી કરી દેવાઈ છે. રાજ્યમાં ૧.૨૫ કરોડ સર્વે નંબરો છે તે પૈકી ૧.૧૫ કરોડ સર્વે નંબરોનું સ્થળ ઉપર જઈ જમીનની માપણી સંપન્ન કરી દેવાઈ છે. આ સર્વેની કામગીરી જામનગરથી શરૂ કરી હતી અને રાજ્યભરમાં આ કામગીરી પૂર્ણ થઈ છે. સર્વે દરમિયાન ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આખરી રેકર્ડના પ્રમોલગેશનના કામગીરીની સમય મર્યાદા પણ લંબાવવામાં આવી હતી. તેમજ પ્રમોલગેશન બાદ પણ જે કોઈ ખેડૂતોને વાંધા હોય તો કોઈપણ ચાર્જ વસુલ કર્યાં સિવાય અપીલ દાખલ કરવાની પ્રક્રિયા ખેડૂતોના હિતમાં કરાઈ છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના ૧૮૦૩૬ ગામો પૈકી ૧૨,૨૨૦ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. સર્વે દરમિયાન મોટે ભાગે ભાઈઓ-ભાઈઓ વચ્ચેના ભાગની વહેંચણી મૌખિક રીતે થઈ હોય તેવાં મોટા ભાગના પ્રશ્નો રજુ થયાં હતા તે માટે જે ખેડૂતોના પ્રશ્નો હશે તેઓને આગામી સમયમાં રૂબરૂ બોલાવીને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લવાશે. આ માપણી દરમ્યાન નકશાઓનું સેટેલાઈટ દ્વારા કોમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે સંદર્ભે ૨ ટકા જેટલા ખેડુતોના નાના-મોટા પ્રશ્નો રજુ થયાં છે. આ પ્રશ્નોનું ખેડૂતોના હિતમાં તબક્કાવાર સંતોષકારક રીતે નિરાકરણ લાવવામાં આવશે અને ખેડૂતોને તેમના હક્કો આપીને આખરી પ્રમોલગેશન કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Share This Article