અમદાવાદ: ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિગની સમસ્યા દુર કરવા માટે શહેરમાં એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરાઇ છે, ત્યારે આજે શહેરના કોટ વિસ્તારમાં ભદ્ર, ભઠિયારગલી, ત્રણ દરવાજા, પાનકોરનાકા વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જયાં ૫૦૦થી વધુ પોલીસના કાફલા સાથે આ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો, બાંધકામ, પાર્કિંગ, ઓટલા વગેરે દૂર કરવાનું આજે બહુ મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
લાલ દરવાજા- જિલ્લા પંચાયત બિલ્ડીંગ વિસ્તારમાં પણ ડિમોલિશન ડ્રાઇવ ચલાવી મોતી બેકરી, સાબર હોટલ, વનરાજ હોટલ સહિતના એકમોના ગેરકાયદે દબાણો અને બાંધકામ તોડી પડાયા હતા. સમગ્ર દિવસ દરમ્યાન આજે વહેલી સવારથી લાલદરવાજા, ભઠીયાર ગલી, પાનકોરનાકા, ભદ્ર વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવા તેમજ ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ સિવાય શહેરના અન્ય વિસ્તારો સરખેજ, દાણીલીમડા, મેઘાણીનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પણ મોટાપાયે ડિમોલિશન ડ્રાઇવને અંજામ અપાયો હતો.
સમગ્ર ડિમોલિશનના ઓપરેશન દરમ્યાન ૬ ડીસીપી, ૮ એસીપી, ૨૦ કરતા વધુ પીઆઇ અને ૫૦૦ કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા. સંવેદનશીલ ગણાતા એવા ભદ્ર, ત્રણ દરવાજા, ભઠીયાર ગલી અને લાલદરવાજામાં ડિમોલિશન અને ટ્રાફિક ઝુંબેશ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્વારા લોખંડી જાપ્તો ખડકી દેવાયો હતો. પોલીસ અને કોર્પોરેશનની ટીમે લાલદરવાજા, ભઠીયારગલી, પાનકોરનાકા, ભદ્ર સહિતના વિસ્તારોમાં સૌપ્રથમવાર આ બહુ મોટુ મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. લઘુમતી વિસ્તારના લોકો ડિમોલિશન ડ્રાઇવ દરમ્યાન ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જો કે, અમ્યુકો અધિકારીઓ અને ટીમના માણસોએ ભારે બહાદુરીપૂર્વક ગેરકાયદે દબાણો, બાંધકામો, ઓટલા અને પા‹કગના અવરોધો દૂર કર્યા હતા. તો બીજી તરફ મેધાણીનગર, દાણીલીમડા, સરખેજ, કુબેરનગર અને ચાંદલોડીયા સહિતના વિસ્તારોમાં પણ પોલીસ અને કોર્પોરેશનની ટીમનું ઓપરેશન ડીમોલેશન હાથ ધરાયું હતું.
સવારે અસારવાના ચમનપુરા ખાતે નવી બનાવેલી દેરી હટાવવાની કામગીરી દરમિયાન અજાણ્યા લોકોએ પોલીસ અને એએમસીની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. ત્રણ ડીસીપી, સાત એસીપી, ૨૦ પીઆઇ અને ૫૦૦ કરતા વધુ પોલીસ કર્મચારીઓએ ૨૦૦ કરતા વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી. જેમાં સંખ્યાબંધ વાહનો ડીટેઇન કર્યા હતા, જ્યારે ગેરકાયદે દબાણ દુર કર્યા હતા જ્યારે કેટલાક લોકોને નોટીસ આપી હતી અને ૨૪ કલાકમાં દબાણ હટાવવા માટેનું અલ્ટિમેટમ પણ અપાયું હતું. અમ્યુકો અને પોલીસની આજની ડિમોલિશન ડ્રાઇવને પગલે સમગ્ર કોટ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ભદ્ર, લાલદરવાજા, ત્રણ દરવાજા, પાનકોરનાકા, ભઠિયાર ગલી સહિતના માર્ગો પર સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જા કે, તંત્ર દ્વારા હાઇકોર્ટના નિર્દેશાનુસાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઇ હોઇ સ્થાનિકો તંત્રની કામગીરી જાવા સિવાય બીજું કંઇ કરી શકવા મજબૂર હતા.