અમદાવાદ: શહેરના ન્યૂ નિકોલ વિસ્તારમાં આવેલા દેવનંદન એપાર્ટમેન્ટમાં ગઇકાલે એક બેન્ક મેનેજરની પત્નિએ પોલીસની સામે જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચારિત્ર્યને લઇ પાડોશી દંપતિ દ્વારા બેંક મેનેજરની પત્નીને બદનામ કરવાના પ્રયાસથી ત્રસ્ત પરિણિતાએ આખરે જીવન ટૂંકાવી લીધુ હતું. આ ઘટના પહેલાં પોલીસ આવી પહોંચી હતી પરંતુ તે પરિણિતાને બચાવી શકી ન હતી.
બેંક મેનેજરની પત્નીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાની કોશિશ કરી હતી, ત્યારે ત્યાં આવી પહોંચેલી પોલીસ અને સ્થાનિક રહીશોએ દરવાજો તોડીને તેમને નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ત્યાં જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી.
આ બનાવને લઇ ન્યૂ નિકોલ વિસ્તારમાં આવેલા દેવનંદન એપાર્ટમેન્ટમાં રહેતા અને એચડીએફસી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ પ્રેમશંકરભાઇ સોતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પાડોશી દંપતિ વિરૂધ્ધ તેમની પત્ની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. જે મુજબ, અરવિંદભાઇને કમરની બીમારી હોવાથી તે ત્રણ મહિનાની મેડિકલ રજા પર છે અને ઘરે આરામ કરી રહ્યા છે. ગઇકાલે અરવિંદભાઇનાં સંતાનો બહાર રમતાં હતાં અને તેમનાં પત્ની ચન્દ્રકાંતાબહેન રાજસ્થાન તેમનાં સાસુ અને નણંદ સાથે વાત કરતાં હતાં, ત્યારે એકાએક ઘરની બહારથી ઝઘડાનો અવાજ આવતો હતો. ચન્દ્રકાંતાબહેને ઘરની બહાર જોયું તો પાડોશમાં રહેતા લોકો તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અરવિંદભાઇ ઘરની બહાર ગયા ત્યારે ચન્દ્રકાંતાબહેને તેમને કહ્યું હતું કે પાડોશમાં રહેતા રશ્મીકાંત નાગર અને તેમનાં પત્ની મને બદનામ કરે છે, તેમના ત્રાસથી હું કંટાળી ગઇ છું.
આ મામલાને લઇ રશ્મીકાંત અને અરવિંદભાઇ વચ્ચે બબાલ થઇ ગઇ હતી. રશ્મીકાંત સહિત સોસાયટીના લોકો પણ ચન્દ્રકાંતાબહેન વિરુદ્ધમાં બોલવા લાગ્યા હતા. આ બબાલને શાંત કરવા માટે અરવિંદભાઇએ પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઇ હતી, ત્યારે ચન્દ્રકાંતાબહેન પાડોશીઓના ત્રાસથી કંટાળીને તેમના ઘરમાં જતાં રહ્યાં હતાં અને દરવાજો બંધ કરી દીધો હતો. ચન્દ્રકાંતાબહેને ગળાફાંસો ખાધો હતો. જોકે પોલીસ અને સ્થાનિકોએ સમયસર દરવાજો તોડી નાખ્યો હતો. પોલીસ ચન્દ્રકાંતાબહેનને નીચે ઉતારીને નજીકની હોસ્પિટલમાં લઇ ગઇ હતી, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ મામલે રશ્મીકાંત નાગર અને તેમનાં પત્ની વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.