ચેન્નાઈઃ ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે મચી ગયેલી ભાગદોડમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા. રાજાજી હોલ ખાતે તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીનું પાર્થિવ શરીર રાખવામાં આવ્યું હતું. અહીં કરૂણાનિધિને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સવારે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ આ ભાગદોડ મચી ગઈ હતી. તે વખતે પોલીસે તબક્કાવારરીતે બેચમાં રાજાજી હોલમાં પ્રવેશ કરવા લોકોને મંજુરી આપી હતી ,પરંતુ એકાએક જ જોરદાર ધસારો થયો હતો અને ઘણા લોકો પડી ગયા હતા. તેમની પાછળ રહેલા અન્ય લોકો તેમના ઉપર પડી ગયા હતા. ઘાયલ થયેલાઓને તરત જ રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા અને એક પુરુષનું મોત થઇ ગયું હતું.
મૃત્યુ પામેલા મહિલાની ઓળખ ૬૦ વર્ષીય સેનબાગામ તરીકે થઇ હતી જે એમજીઆરનગરની નિવાસી હતી. પુરુષની ઓળખ થઇ શકી નથી. અગાઉ ડીએમકેના બે ગ્રુપ વચ્ચે પણ મૌખિક બોલાચાલી બાદ ખેંચતાણ થઇ હતી. સામ સામે મારામારી થઇ હતી જેમાં ઘાયલ થયેલા બે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજે આ ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. જો કે, પોલીસે તરત જ સ્થિતિને કાબૂમાં લીધી હતી અને લોકોના ધસારા ઉપર અંકુશ મુકવામાં સફળતા મેળવી હતી. જેના લીધે વધારે નુકસાન ટળી ગયું હતું. ભાગદોડમાં બે લોકોના મોતના સમાચાર પણ આગની જેમ ફેલાયા હતા અને પોલીસે તરત જ બેરીકેડ મુકીને લોકોની અવરજવર ઉપર બ્રેક મુકી દીધી હતી. મૃત્યુ પામેલા પુરુષની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાક લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, તેમના નામ પણ હજુ જાણી શકાયા નથી.