ચેન્નાઈ: કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ફિલ્મ સ્ટાર રજનીકાંત, ફિલ્મ સ્ટાર કમલ હસન સહિતની તમામ હસ્તીઓ પહોંચી હતી. એક સમયે દ્રવિડ આંદોલનના કેન્દ્રબિંદુ રહેલા કરૂણાનિધિની અંતિમ યાત્રા આજે શરૂ થઇ હતી તે પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ ટોચની હસ્તીઓ પહોંચી હતી.
કરૂણાનિધિને જે કાચના બોક્સમાં રાખવામાં આવ્યા હતા તેના ઉપર લખવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિ કોઇપણ આરામ વગર કામ કરી રહી હતી તે વ્યક્તિ હવે આરામ કરી રહી છે. મરીના બીચ ઉપર કરૂણાનિધિ માટે સમાધિ બનાવવા માટેનો મામલો પણ ખુબ જ ગરમ બન્યો હતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અભિનેતા કમલ હસને પણ રાજાજી હોલ ખાતે પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મરીના બીચ ઉપર અન્ના મેમોરિયલ નજીક લોકો ઉમટી પડ્યા હતા.
દફનવિધિની તૈયારીઓ પહેલાથી શરૂ કરવામાં આવી હતી. લોકો ઉપર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આર્મીની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. મરીના બીચ ઉપર કરૂણાનિધિની દફનવિધિ થઇ હતી. આરજેડીના તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ એમકે સ્ટાલિનની સાથે દેખાયા હતા.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજાજી હોલ ખાતે પહોંચીને કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા હતા. ત્રણ કિલોમીટરથી પણ વધુના માર્ગ ઉપર અંતિમયાત્રા નિકળી હતી. સાંજે ચાર વાગ્યાની આસપાસ રાજાજી હોલથી આની શરૂઆત કરવામાં આવી હતી.