પટણાઃ મુઝફ્ફરપુર ગૃહ રેપ કાંડમાં વિપક્ષના વધતા જતાં દબાણ વચ્ચે બિહારના સામાજિક કલ્યાણમંત્રી મંજુ વર્માએ આજે રાજીનામુ આપી દીધું છે. આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે અને એવામાં શંકા હતી કે, તેમની તપાસ મંજુ વર્માના પતિ ચંદ્રેશ્વર વર્મા સુધી પહોંચી શકે છે.
આ પહેલા મંજુ વર્માના રાજીનામા ઉપર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે, મંત્રીએ તેમને મળીને ખુલાસો કરી દીધો છે. તેમણે એણ પણ કહ્યું હતું કે, કારણ વગર કોઇને જવાબદાર ઠેરવી શકાય નહીં. મુઝફ્ફરપુરના એક શેલ્ટર હોમમાં ૩૪ બાળકીઓ સાથે રેપની ઘટના સપાટી ઉપર આવ્યા બાદથી બિહારની રાજનીતિમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. હજુ સુધી મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત ૧૦ની ધરપકડ કરવામાં આવી છે.
કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસની તપાસમાંથી સમગ્રરીતે પુરાવા એકત્રિત કરવાની તૈયારી કરી લીધી છે. સીબીઆઈની ટીમે સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર પાસેથી દસ્તાવેજો મેળવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના મુઝ્ફ્ફરપુર શેલ્ટર હોમમાં યુવતિઓ સાથે રેપની ઘટના પર મચી ગયેલા રાજકીય ઘમસાણ વચ્ચે મુખ્યપ્રધાન નીતીશ કુમારે સોમવારના દિવસે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.
નીતીશ કુમારે કહ્યુ હતુ કે આ સમગ્ર ઘટના પર માત્ર રાજનીતિ રમવામાં આવી રહી છે. નીતીશ કુમારે દિલ્હીમાં આરજેડીના નેતૃત્વમાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શન ઉપર પણ પ્રહારો કર્યા હતા.
નીતીશ કુમારે કહ્યુ હતુ કે આ મામલામાં જે કઇપણ દોષિત હશે તેમની સામે પગલા લેવામાં આવશે. આ કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે. બિહારને લઇને રાજકીય ઘમસાણ વચ્ચે ઉત્તરપ્રદેશમાં પણ આવો જ મામલો સપાટી પર આવી ચુક્યો છે. બિહારમાં મંજુ વર્માના રાજીનામાથી ફરી એકવાર રાજકીય ગરમી જામી છે.