મુંબઇઃ શેરબજારમાં આજે તેજી જાવા મળી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૭૮૮૮ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૧૪૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેની સોદાબાજી દરમિયાન બીએસઈ સેંસેક્સ ૩૭૯૩૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ ૧૧૪૬૦ની સપાટી પર રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ફાઈનાન્સિયલ શેરોમાં તેજી જામી હતી. માર્કેટ હેવીવેઇટ રિલાયન્સ શેરમાં આજે ૨.૮૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાના શેરમાં જોરદાર લેવાલી જામી હતી. એશિયન શેરબજારમાં સતત ચોથા દિવસે રિકવરી રહી હતી. તેલ કિંમતો બુધવારના દિવસે સ્થિર રહી હતી. અમેરિકા દ્વારા હાલમાં ક્રૂડને લઇને કેટલીક નવી નીતિઓ અમલી કરવામાં આવી છે. બ્રેન્ટ ક્રુડની કિંમત આજે ચાર સેન્ટ ઘટીને ૭૪.૬૧ ડોલર પ્રતિબેરલ નોંધાઈ હતી. ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર તમામની નજર કેન્દ્રિત છે.
આ સપ્તાહમાં જુલાઈ ત્રિમાસિક ગાળાના આંકડા મોટી કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલે નવમી ઓગસ્ટના દિવસે અરવિંદો ફાર્માના પરિણામ જાહેર કરાશે. ગેલ ઈન્ડિયા, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૦મી ઓગસ્ટના દિવસે તેમના રિપોર્ટ કાર્ડ રજુ કરાશે. આવી જ રીતે ભારત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર વિલંબથી ટેરીફ લાગુ કરવામાં આવનાર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફને લઈને મતભેદો વધ્યા છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદથી આ મતભેદો વધ્યા છે. ૨૦૧૬માં દ્વિપક્ષીય કારોબારનો આંકડો ૧૧૫ અબજ ડોલરનો હતો, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના પરિણામ સ્વરૂપે આ આંકડો ૩૧ અબજ ડોલર સુધી નીચે પહોંચી ગયો છે.
ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૬ પોઇન્ટ ઘટીને ૩૭૬૬૬ની સપાટી ઉપર રહ્યો હતો જ્યારે નિફ્ટી બે પોઇન્ટ ઉછળીને ૧૧૩૮૯ની સપાટી પર રહ્યો હતો. માર્કેટની દિશા નક્કી કરવામાં હવે મોનસુનની ભૂમિકા રહી શકે છે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.
સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. બજાર પર અન્ય જે પરીબળોની અસર દેખાનાર છે તેમાં વૈશ્વિક બજારમાં પ્રવાહ, વિદેશી અને સ્થાનિક મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રુડ ઓઈલની કિંમતમાં ઉથલપાથલની અસર જાવા મળશે.