વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ વધુ એક જાહેરાત પણ કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશ ઇરાનની સાથે વેપાર જારી રાખશે તે અમેરિકાની સાથે વેપાર કરી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારથી ઇરાન ઉપર નવેસરના પ્રતિબંધ મુકી રહ્યા છે. ઇરાનથી આ પ્રતિબંધ ૨૦૧૫માં પરમાણુ કરાર થયા બાદ ઉઠાવી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પના આ પ્રતિબંધના કારણે ભારત ઉપર પણ અસર થઇ શકે છે. ચીન બાદ ભારત ઇરાનના બીજા સૌથી મોટા તેલ આયાતકાર દેશ તરીકે છે.
અમેરિકી પ્રતિબંધ બાદ ભારત હવે ધીમે ધીમે ઇરાનથી અન્યત્ર થઇ રહ્યું હતું. હાલમાં જ જૂન મહિનામાં ભારતે ઇરાનમાંથી ૧૨ ટકા ઓછી આયાત તેલની કરી હતી. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઇરાન ઉપર લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધ સત્તાવાર રીતે અમલી કરી દેવામાં આવ્યા છે. હજુ સુધીના સૌથી કઠોર પ્રતિબંધ તરીકે આને ગણવામાં આવે છે. નવેમ્બરમાં આગામી સ્તર સુધી જશે. ઇરાનની સાથે જે દેશ પણ વેપાર કરશે તે અમેરિકા સાથે વેપાર કરી શકશે નહીં. તેઓ દુનિયા માટે શાંતિની માંગ કરી રહ્યા છે. અમેરિકાના પ્રતિબંધથી પેટ્રોલિયમ સંબંધિત લેવડદેવડ રોકાઈ જશે.
આ ઉપરાંત વિદેશી નાણાંકીય સંસ્થાઓના ઇરાનના કેન્દ્રીય બેંકોની પાસે સોદા પણ રોકાઈ જશે. જો કે, ટ્રમ્પે કહ્યું છે કે, તે ઇરાનની સાથે વ્યાપક પરમાણુ કરાર પર વિચારણા માટે તૈયાર છે. અમેરિકા આ પ્રયાસમાં એકસમાન વિચારધારા ધરાવનાર દેશોની ભાગીદારીનું સ્વાગત કરે છે. અમેરિકી પ્રતિબંધના પ્રથમ ચરણમાં ઇરાનની અમેરિકી મુદ્રા સુધી નેટવર્ક તથા કાર અને અન્ય ચીજોને ટાર્ગેટ કરવામાં આવી છે. અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ બ્રિટન, ફ્રાંસ સહિતના દેશોએ દુખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના દંડની દહેશતથી ઘણી કંપનીઓ ઇરાનથી બહાર નિકળી રહી છે.