નવીદિલ્હી: ભાજપના વડા અમિત શાહે રાજ્યસભામાં આજે ફરીવાર નિવેદન કર્યું ત્યારે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. અમિત શાહને આજે ફરી ગૃહમાં બોલવાની તક આપવામાં આવી ન હતી. અમિત શાહના ભાષણ દરમિયાન ભારે ધાંધલ ધમાલ થઇ હતી. અમિત શાહે એમએસપી પર નિવેદન કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ટીએમસીના સભ્યોએ ધાંધલ ધમાલ મચાવી હતી.
ટીએમસીના સભ્યો ધાંધલ ધમાલ કરતા રહ્યા હતા અને ગૃહની વચ્ચોવચ આવી ગયા હતા. સતત ધાંધલ ધમાલના કારણે અધ્યક્ષને બે વખત ગૃહની કાર્યવાહી મોકૂફ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ગૃહની કામગીરીને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ભાજપના વડાને એનઆરસીના મુદ્દા ઉપર ચર્ચા દરમિયાન પણ વિપક્ષે બોલવાની તક આપી ન હતી અને ભારે ધાંધલ ધમાલ થઇ હતી.
પોતાના ભાષણ દરમિયાન શાહે ખેડૂતો માટે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ખુબ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દલિતો અને ખેડૂતો માટે કામ કરી રહી છે. કૃષિ ક્ષેત્રે ચિત્ર બદલવાના પ્રયાસ થઇ રહ્યા છે. માત્ર યોજનાઓને લઇને સરકાર આગળ વધી રહી નથી. સરકાર ૨૦૨૨માં ખેડૂતોની આવક બે ગણી કરવાના પ્રયાસમાં લાગેલી છે અને આવક બે ગણી કરીને માનશે.
વિપક્ષ ઉપર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે, કેટલીક ટિપ્પણી આવી છે કે આ શક્ય નથી. તમામને પોતાની વિચારધારા છે, પરંતુ સરકાર જે પ્રયાસ કરી રહી છે તે આંકડાઓની દ્રષ્ટિએ પણ જાઇ શકાય છે. અમે કૃષિ બજેટમાં ૭૫ ટકાનો વધારો કરી ચુક્યા છે. ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કૃષિ બજેટ માટે એક લાખ ૨૧ હજાર ૮૨ કરોડ રૂપિયાની ફાળવણી થઇ હતી, જ્યારે ૨૦૧૪-૧૮ સુધી આ બજેટ વધારીને બે લાખ ૧૧ હજાર ૬૮૪ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એનઆરસી ઉપર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસ ઉપર ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઇને નરમ વલણ અપનાવવાનો આક્ષેપ કરતા અમિત શાહે કહ્ય કોંગ્રેસના વડાપ્રધાને આ સમજૂતિ કરી હતી પરંતુ સમજૂતિને અમલી કરવાની હિંમત કરી શક્યા ન હતા.
અમારામાં હિંમત હતી એટલે અમે આ કરી શક્યા છીએ. ગેરકાયદે ઘુસણખોરોને કોંગ્રેસ પાર્ટી બચાવવાના પ્રયાસ કેમ કરી રહી છે. તેવો પ્રશ્ન અમિત શાહે કર્યો હતો. જેના પરિણામ સ્વરુપે રાજ્યસભામાં ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ હતી અને કાર્યવાહીને અનેક વખત મોકૂફ કરવામાં આવી હતી. મોદી સરકારે ગયા મહિનામાં જ ૧૪ પાકના એમએસપીમાં વધારો કરી દીધો હતો. ત્યારબાદથી મોદી સરકાર ખેડૂતોના મુદ્દાને લઇને આક્રમક દેખાઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી રહી છે. ખેડૂતો માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા હોવાની વાત પણ કરવામાં આવી રહી છે.