અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ અને મહત્વના નિર્દેશો બાદ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલીશન ડ્રાઇવ અને ટ્રાફિક પોલીસની મદદથી અસરકારક ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે આજે અમ્યુકો તંત્રના અધિકારીઓ પોલીસ સ્ટાફની મદદથી શહેરના ચંડોળા તળાવ, નારોલ, ઇસનપુર સહિતના વિસ્તારોમાં ત્રાટકયા હતા અને મોટાપાયે ડિમોલિશન ડ્રાઇવ ચલાવી હતી.
અમ્યુકો તંત્રએ આ વિસ્તારોમાં ૪૦થી વધુ ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવી ચંડોળા તળાવથી નારોલ-ઇસનપુર સુધીનો દસ કિલોમીટરનો પટ્ટો ખુલ્લો કર્યો હતો. તંત્રના માણસોએ આ વિસ્તારોમાં ગેરકાયદે પાર્કિંગ, ઓટલા, દબાણો અને બાંધકામો પર બુલડોઝર ફેરવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. કેટલાક વેપારીઓ અને દુકાનદારો તો ભારે નારાજ પણ થયા હતા પરંતુ ગેરકાયદે બાંધકામ અને દબાણો કર્યા હોઇ તેઓ તંત્રના પગલાનો ભોગ બનવા લાચાર હતા.
આજે ઇસનપુર બાદ અમ્યુકો તંત્ર દ્વારા પૂર્વમાં હીરાવાડી હાઇવે પણ જાહેરમાર્ગો પરના દબાણો અને રસ્તાને અડીને થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી જ અમ્યુકો તંત્રના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ શહેરના ચંડોળા તળાવથી નારોલ-ઇસનપુર સુધીના દસ કિલોમીટર સુધીના પટ્ટામાં ત્રાટકવાનું નક્કી કર્યું હતું અને બે ડીસીપી, ચાર એસીપી સહિત ૬૦થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે સમગ્ર વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં મોટાપાયે ગેરકાયદે દબાણો અને પાર્કિંગ દૂર કરવામાં આવ્યા હતા. શહેરના ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર માઇગ્રેટેડ લોકોની સંખ્યાથી ભરેલો છે અને તેથી અહીં મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને દબાણોની ફરિયાદો ઘણા વખતથી ઉઠી હતી, જેને ધ્યાને લઇ તંત્રએ આજે આ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. અમ્યુકોના અધિકારીઓએ આજની ડ્રાઇવ દરમ્યાન ૪૦થી વધુ ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવી સમગ્ર પટ્ટો ખુલ્લો કર્યો હતો.
અમ્યુકો તંત્રની સાથે સાથે ટ્રાફિક પોલીસે પણ ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક નિયમનના મુદ્દે અસરકારક ઝુંબેશ હાથ ધરી હતી. ટ્રાફિક ઝુંબેશ દરમ્યાન પોલીસે સ્થળ પર જ દંડની વસૂલાત કરી હતી. દરમ્યાન આજે સાણંદ-સરખેજ રોડ પર દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન અમ્યુકોનો કામ કરી રહેલો એક કર્મચારી ઉપરના માળેથી નીચે પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બપોર બાદ અમ્યુકોના અધિકારીઓએ પૂર્વના હીરાવાડી હાઇવે સહિતના કેટલાક વિસ્તારમાં ડિમોલિશનનો સપાટો બોલાવ્યો હતો.