અમદાવાદઃ શહેરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન ફરી એકવાર જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે અમ્યુકો તંત્રની રખડતા ઢોરોની સમસ્યા યથાવત્ રહેવાના મુદ્દે ભારે નારાજગી વ્યકત કરી હતી.
હાઇકોર્ટે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટે સરકાર અને અમ્યુકો તંત્રને અસરકારક કાર્યવાહી કરવા અને રખડતા ઢોર પકડવા જતી અમ્યુકોની ટીમ પર હુમલો કરનારા તત્વો વિરૂધ્ધ કડક હાથે પગલા લેવાનો મહત્વનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહી, શહેરમાં ગેરકાયદે દબાણો, બાંધકામ અને પાર્કિંગ વિરૂધ્ધ ચાલી રહેલી ડિમોલિશન અને ટ્રાફિક ડ્રાઇવ અંગે હાઇકોર્ટે બહુ મહત્વની અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, સરકાર અને અમ્યુકોના કર્મચારીઓ આ મામલે કોઇના પણ દબાણ કે શેહશરમમાં આવ્યા વિના કાર્યવાહી કરે.
હાઇકોર્ટે શહેરમાં હજુ રીક્ષાચાલકોના કારણે થઇ રહેલી ટ્રાફિક અવ્યવસ્થા અને હાલાકીને મામલે પણ ટકોર કરતાં પોલીસ તંત્રને નિર્દેશ કર્યો હતો કે, આ માટે જરૂર પડયે રીક્ષાચાલકોને મુસાફરોને રીક્ષામાં કયાંથી બેસાડવા, રીક્ષાઓ કયાં પાર્ક કરવી તે સહિતના મુદ્દે તાલીમ અને માર્ગદર્શન આપવું જોઇએ. રીક્ષાચાલકોએ પણ સ્વયં જાગૃતિ કેળવી શહેરમાં ટ્રાફિક નિયમન અને સુવ્યવસ્થિત પાર્કિંગની ઝુંબેશમાં પૂરતો સહકાર આપવો જોઇએ.
દરમ્યાન હાઇકોર્ટે અમ્યુકો તંત્ર અને સરકારના સત્તાવાળાઓને એવું સૂચન પણ કર્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા તેમ જ ટ્રાફિક નિયમન માટે પબ્લીક અને ટ્રાન્સપોર્ટ સેવા વધુ અસરકારક, સરળ અને આકર્ષક બનાવો. પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ હશે તેટલી ટ્રાફિકની સમસ્યા હળવી થઇ શકશે.
હાઇકોર્ટે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાનું જાઇએ એ પ્રકારે નિવારણ થયું નહી હોવાની ગંભીર ટકોર કરી અમ્યુકોની કામગીરી પરત્વે નારાજગી વ્યકત કરી હતી. જો કે, અમ્યુકોએ બચાવ રજૂ કર્યો હતો કે, રખડતા ઢોરોના મામલે અમ્યુકો તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૮૯૫થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો દંડ વસૂલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, હાઇકોર્ટે અમ્યુકોને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારી ઝુંબેશ છતાં શહેરમાં માર્ગો પર તેની અસરકારકતા કે પરિણામ દેખાતા નથી, શહેરના માર્ગો પર હજુ પણ રખડતા ઢોરોની સમસ્યા યથાવત્ જાવા મળી રહી છે, જે તંત્રની બિનઅસરકારકતા દર્શાવી રહી છે. આ મામલાને ગંભીરતાથી લઇ હજુ અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા હાઇકોર્ટે અમ્યુકો તંત્રને કડક તાકીદ કરી હતી.