નવીદિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા સૌથી વધારે પ્રદુષિત સીટીમાં ગુડગાવને જાહેર કરતા તર્ક વિતર્કનો દોર શરૂ થયો છે. જે ૬૨ શહેરોમાં પવનની ગુણવત્તામાં તપાસ કરવામાં આવી છે તેમાં સૌથી ખરાબ હાલત ગુડગાવની રહી છે. અહીં એર ક્વાલિટી ઇન્ડેક્સ ૩૨૧ આંકવામાં આવ્યા બાદ નિષ્ણાંતો પણ ચિંતાતુર દેખાઇ રહ્યા છે. ઇન્ડેક્સ ૩૨૧ ખુબ ખરાબ શ્રેણીમાં આવે છે.
દિલ્હી-એનસીઆરના અન્ય પ્રમુખ શહેરો દિલ્હી, ફરીદાબાદ, ગાજિયાબાદ, નોઇડા અને ગ્રેટર નોઇડામાં પણ ગુણવત્તા ખરાબ રહી છે. એકબાજુ અધિકારીઓ ગુડગાવમાં પવન સૌથી પ્રદુષિત હોવા માટે અરબી પ્રાયદ્ધિપથી ઉઠેલા ડસ્ટ સ્ટોર્મને જવાબદાર ગણી રહ્યા છે. બીજી બાજુ પર્યાવરણવાદીઓ દ્વારા જવાબદાર એજન્સી પર આક્ષેપો કર્યા છે. હજુ સુધી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનને અમલી ન કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.
હરિયાણા સ્ટેટ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના એક અધિકારીએ કહ્યુ છે કે અરબી પ્રાયદ્ધિપમાં ઉઠેલા ડસ્ટના સ્ટોર્મના કારણે હાલત કફોડી બની છે. આ સ્ટોર્મના કારણે હવામાં ધુળના રજકણ વધી ગયા છે. ડસ્ટ સ્ટોર્મ ૨૭મી જુલાઇના દિવસે શરૂ થયા બાદ કેટલાક દિવસ બાદ અરબી સાગરમાં પ્રવેશ કરી ગયુ હતુ. તોફાન હવે ધુળના કણના સ્વરૂપમાં પશ્ચિમ ભારત અને દિલ્હી-એનસીઆરમાં છે.
સીપીસીબીના એર લેબ ડિવીઝનના પૂર્વ પ્રમુખ દિપાકર સાહાએ કહ્યુ હતુ કે ગુડગાવ સૌથી પ્રદુષિત વિસ્તાર તરીકે છે. કારણ કે તે દિલ્હીના પશ્ચિમમાં સ્થિત છે. ધુળના રજકણ ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવી રહ્યા છે. ગુડગાવની સૌથી વધારે પ્રદુષિત શહેર તરીકે ઉભરી આવતા તેની ચર્ચા જોવા મળી રહી છે. દિલ્હી હમેંશા પ્રદુષણની દ્રષ્ટિએ ચર્ચામાં રહે છે.