નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશનના અમલીકરણ સાથે ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને રોજગારીની તક મળશે. નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી સ્કીમ પૈકી એક તરીકે ગણવામાં આવે છે. આના ભાગરૂપે ૧૦ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક રીતે પ્રતિ પરિવાર પાંચ લાખ રૂપિયાનું કવર આપવામાં આવનાર છે.
ખાનગી અને સરકારી હોસ્પિટલ બંનેમાં એક લાખ આયુષ્યમાન મિત્રની તૈનાતી કરવામાં આવનાર છે. આ મિશન હેઠળ પેકેજનો લાભ લેવા માટે આરોગ્ય સુવિધાઓને ધ્યાનમાં લઈને દર્દીઓની મદદ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલય દ્વારા એક લાખ આયુષ્યમાન મિત્રની ભરતી કરવા માટે સ્કીલ્ડ ડેવલોપમેન્ટ મંત્રાલય સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સ્કીમને સફળ બનાવવા માટે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
એક લાખ આયુષ્યમાન મિત્રો ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ સ્કીમ હેઠળ ગોઠવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આની તૈયારી કરી લેવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી સરકારી નાણાંથી ચાલતી આરોગ્ય સંભાળની સ્કીમ તરીકે આને ગણવામાં આવે છે. જેની જાહેરાત બજેટ ૨૦૧૮માં કરવામાં આવી હતી. હાલમાં જ સરકારનું કહેવું છે કે આ સ્કીમ હેઠળ હોસ્પિટલો માટે કેટલીક જરૂરી સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે. સ્કીમની માહિતી સતત જાહેર થઈ રહી છે.