અમદાવાદ : ગુજરાતમાં આગામી દિવસો માટે મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જો કે મોનસૂનની સિઝનમાં ઓગસ્ટ મહિનામાં ગુજરાત અને અમદાવાદમાં ઘણા દિવસ વરસાદ વગર નીકળી જતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
થોડાક સમય પહેલા જ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો પરંતુ ત્યારબાદથી વરસાદમાં બ્રેકની સ્થિતિ મુકાઈ ગઈ છે. હવામાન વિભાગ પણ માને છે કે ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. મધ્યમથી હળવા વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં રહી શકે છે.
બીજી બાજુ અમદાવાદમાં પણ વરસાદમાં સંપૂર્ણ બ્રેકની સ્થિતિ જોવા મળી રહી છે. બપોરના ગાળામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વરસાદ પડશે તેમ લાગતું હતું પરંતુ વાદળો વિખારાઈ ગયા હતા. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૫.૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ અને મત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા ઓછી દેખાઈ રહી છે.