શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ખાણીપીણી બજાર પર તાજેતરમાં જ અમ્યુકોએ બુલડોઝર ફેરવી નાંખ્યા બાદ રોજીરોટી વિનાના સંખ્યાબંધ વેપારીઓ-ફરિયાઓ અને પાથરણાંવાળાઓ દ્વારા આજે લો ગાર્ડન વિસ્તારની આ ગલીમાં સંદેશાત્મક સૂત્રો લખેલા બેનરો, પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ખાણીપીણી બજારના સંખ્યાબંધ દુકાનદારો-વેપારીઓ, ફેરિયાઓએ તાકીદે તેમનું ખાણીપીણી બજાર પહેલાની જેમ રાબેતા મુજબ ચાલુ કરવાની મંજૂરી આપવા અમ્યુકો સત્તાવાળાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
હાથમાં વિવિધ સંદેશાઓ સાથેના બેનરો-પ્લેકાર્ડ મારફતે વેપારીઓ-દુકાનદારોએ અમ્યુકો સત્તાધીશોને અનુરોધ કર્યો હતો કે, ખાણી-પીણીના આ બજાર સાથે સંકળાયેલા પાંચ હજારથી વધુ વ્યક્તિઓની રોજી રોટી પર અસર થઇ છે. લો ગાર્ડન ખાણી પીણી બજાર છે જે ટ્રાફિકને નડતર રૂપ ન હતું, તેમછતાં તેની પર બુલડોઝર ફેરવાયું છે, જેના કારણે તેઓની રોજીરોટી છીનવાઇ છે. હવે તેમની રોજી રોટીનું શુ? આ સાથે જ તેમણે લો ગાર્ડન ખાણી-પીણીનું બજાર ફરીથી શરૂ કરવાની માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરના લો ગાર્ડન પાસે આવેલી દેશની બીજા નંબરની સૌથી સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ ગણાતા ખાણીપીણી બજાર પર તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતુ. વર્ષોથી અમદાવાદીઓ અહીં મોડી રાત્રે જમવા આવતા હતા, અને અહીં અનેક ફુડ સ્ટોલ્સ આવેલા હતા. જેના કારણે અહીં ટ્રાફિકની ખૂબ સમસ્યા થતી હતી. જોકે, અહીં ર્પાકિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જ ન હોવાથી રસ્તા પર જ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉભી થતી હતી. પરિણામે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવુ પડતું હતું.
તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાઉગલીને ક્લિન સ્ટ્રીટ ફુડ હબ પ્રોજેક્ટ હેઠળ બીજા નંબરની સૌથી સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાંકરિયાની ફૂડ સ્ટ્રીટને પહેલો નંબર આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં ઠેરઠેર થતાં ગેરકાયદે પાર્કિંગના કારણે જબરદસ્ત વકરેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરભરમાં જોરદાર ઝુંબેશ ચલાવાઇ રહી છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ જોવા મળી રહ્યા છે. તેના ભાગરૂપે જ આજે લોગાર્ડન ખાણીપીણી બજારના વેપારીઓએ શાંતિપૂર્ણ ધરણાં અને દેખાવો યોજયા હતા.