ચંદોલીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને આક્રમક ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પોતાના અભિયાનને વધુ તીવ્ર બનાવીને અમિત શાહે આજે તેજાબી પ્રહારો કર્યા હતા. ભાજપ મોદી સરકારની સફળતાઓ અને સિદ્ધિઓને ગણાવીને લોકો પાસેથી મત માંગવામાં વ્યસ્ત છે.
ઉત્તરપ્રદેશના મુગલસરાઈમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનસભાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે પ્રજા ૨૦૧૯માં પણ ભાજપને જ જીત અપાવશે. અમિત શાહે કહ્યું હતું કે બુઆ, ભતીજા અને રાહુલ મળી જાય તો પણ જીતી શકશે નહીં. અમિત શાહે જનસભા દરમિયાન જનતા સમક્ષ ઉત્તરપ્રદેશમાં ૭૪ સીટો જીતાડવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે ૨૦૧૯માં જીતનો રસ્તો યુપીમાંથી જ થઈને જશે. મોદી સરકાર ઉત્તરપ્રદેશના વિકાસ માટે સમર્પિત છે.
તે પહેલા લખનૌમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ કહ્યું હતું કે વિકાસની દિશામાં મોદી સરકાર અતિ ઝડપથી આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશના ચંદોલી સ્થિત મુગલસરાઈ જંકશનના નવા નામાંકરણના પ્રસંગે આયોજિત જનસભામાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજનસમાજ પાર્ટી પર અમિત શાહે આકરા પ્રહારો કર્યા હતા.
નેશનલ રજીસ્ટ્રાર ઓફ સિટીજનના મુદ્દા ઉપર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પણ પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં સપા, બસપા અને કોંગ્રેસ એકસાથે થઈ જશે તો પણ ભાજપની સીટો ૭૪ થશે પરંતુ ૭૨ થશે નહીં. અમિત શાહે ઉમેર્યું હતું કે સુપ્રિમ કોર્ટના આદેશ હેઠળ નરેન્દ્ર મોદી સરકારે એનઆરસી બનાવી છે. એનઆરસી દેશમાંથી, આસામમાંથી બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી શોધીને બહાર કાઢવાનું કામ કરી રહી છે. મમતા બેનર્જી કહે છે કે એનઆરસીની જરૂર નથી. કોંગ્રેસ કહે છે કે એનઆરસીની જરૂર નથી. તેઓ છેલ્લા ચાર દિવસથી રાહુલને પ્રશ્ને કરી રહ્યા છે કે આ દેશમાં એનઆરસીની જરૂર છે કે નહીં પરંતુ રાહુલ જવાબ આપવા તૈયાર નથી.
ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે મુગલસરાઈની ધરતી પરથી તેઓ સપા, બસપા અને કોંગ્રેસને પૂછવા માંગે છે કે બાંગ્લાદેશી ઘુસણખોરોને અહીં તેઓ રાખવા માંગે છે કે અહીંથી કાઢવા માંગે છે. ઉત્તરપ્રદેશની પ્રજાનો જવાબ તેઓ જાણે છે. એક પણ બાંગ્લાદેશી ઘુસણખોરોને રાખવા માટે લોકો ઈચ્છુક નથી. શાહે કહ્યું હતું કે મોદી બે બિલને લઈને આવનાર છે. જે પૈકી તમામ પછાતને ઓબીસી કમિશનલ હેઠળ બંધારણીય માન્યતા આપવામાં આવનાર છે. રાહુલ ગાંધીને અમારો પ્રશ્ન છે કે ઓબીસી બિલ પસાર કરવામાં કોંગ્રેસ સહાયતા કરશે કે કેમ, આ બાબત સ્પષ્ટ કરી દેશે કે કોંગ્રેસ પાર્ટી પછાત લોકોનું કલ્યાણ ઈચ્છે છે કે કેમ. તેઓ પછાત જાતિના તમામ લોકોને ખાતરી આપવા માંગે છે કે કોંગ્રેસ સમર્થન કરે કે ન કરે પરંતુ મોદી સરકાર બિલને પસાર કરીને પછાત વર્ગના તમામ લોકોને મોટુ સમ્માન આપવા જઈ રહ્યું છે. અમારા ભાઈ મનોજ સિંહા જે પૂર્વાંચલના વિકાસ માટે સમર્પિત છે. તેઓએ ડીએચયુની હોસ્પિટલને એમ્સની સમકક્ષ લાવીને કરોડો પૂર્વાંચલના લોકોને મોટી ભેટ આપી છે.