શ્રીનગરઃ કલમ ૩૫-એની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટમાં કાયદેસરના પડકાર સામે અલગતાવાદીઓ દ્વારા સંપૂર્ણ બંધની હાકલ કરવામાં આવ્યા બાદ આજે કાશ્મીરમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. અમરનાથ યાત્રા ઉપર પણ આની માઠી અસર થઈ હતી. અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ સાવચેતીના પગલાંરૂપે આજે રવિવારના દિવસે અમરનાથયાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કલમ ૩૫-એને સમર્થન આપવાના હેતુસર આ બંધની હાકલ કરવામાં આવી હતી. કલમ ૩૫-એ રાજ્યને ખાસ અધિકાર આપે છે.
પોલીસના કહેવા મુજબ આજે ભગવતીનગર યાત્રા નિવાસથી કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી. ઉધમપુર અને રામબાણમાં ખાસ તપાસ ચોકી ગોઠવવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓનો જથ્થો જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ ઉપર આગળ ન વધે. જે બંને જિલ્લામાંથી પસાર થાય છે. ખીણમાં બલતાલ અને પહેલગામ આધાર કેમ્પથી યાત્રીઓ તેમની યાત્રાને આગળ વધારી શકશે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨.૭૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે.
બીજી બાજુ આજે કાશ્મીર ખીણમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. જાકે બંધ દરમિયાન સંપૂર્ણ શાંતિ રહી હતી. ખીણમાં દુકાનો અને વેપારી પેઢીઓ બંધ રહી હતી. હલતાલના પરિણામ સ્વરૂપે તમામ પ્રકારના વાહનો માર્ગો ઉપર દેખાયા ન હતા. જેઆરએલ દ્વારા બે દિવસના બંધની હાકલ કરવામાં આવી છે. આવતીકાલે પણ બંધ પાળવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેને લઈને કેટલીક સંબંધિત સંસ્થાઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી ચુકી છે. ખીણમાં અને કાશ્મીરના અન્ય ભાગોમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે આજે સવારથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સંપત્તિને નુકસાન ન થાય તેના માટે પણ પગલા લેવાયા હતા. જેઆરએલ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને બાર એસોસિએશન, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક, મોહંમદ યાસીન મલિક દ્વારા જેઆરએલ બનેલા છે.
દેખાવકારોએ કેટલીક જગ્યાએ દેખાવો પણ કર્યા હતા. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા મુખ્ય વિરોધ પક્ષોએ પણ કલમ ૩૫-એને ચાલુ રાખવાના ટેકામાં હાલમાં ઘણી જગ્યાઓએ રેલીઓ યોજી હતી. છેલ્લા થોડાક દિવસમાં કાશ્મીરમાં કલમ ૩૫-એને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા.