પટના : બિહારના મુઝફ્ફરપુરમાં બાળાગૃહ બળાત્કારના કેસમાં આખરે મુખ્યમંત્રી નીતિશકુમારે પોતાનું મૌન તોડ્યું હતું. મુઝફ્ફરપુરના આ જધન્ય કાંડમાં આરજેડી, કોંગ્રેસ અને ડાબેરીઓએ નીતિશ સરકારનો ઘેરાવ કર્યો હતો. નીતિશ સરકાર પર સતત રાજીનામું આપવાનું દબાણ લાવવામાં આવી રહ્યું હતું. વિપક્ષી દળોએ નીતિશકુમારના મૌન રહેવા વારંવાર સવાલો ઉઠાવ્યા હતા જેના પરિણામ સ્વરુપે મુખ્યમંત્રી નીતિશકુમારે આખરે મૌન તોડી નિવેદન કર્યું હતું.
નીતિશકુમારે કહ્યું હતું કે, મુઝફ્ફરપુરમાં એવી ઘટના બની છે જેનાથી અમે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. નીતિશકુમારે કહ્યું કે, સીબીઆઈ તપાસ ચાલી રહી છે. હાઈકોર્ટ તેનું મોનિટરિંગ કરે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આશ્વાસન આપતા કહ્યું હતું કે, આ મામલામાં કોઇની પણ સાથે હળવું વલણ અપનાવવામાં આવશે નહીં અને જે પણ દોષિત દેખાશે તેની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ મામલે રાજનીતિ લડાઈ વધુ તીવ્ર કરી દીધી છે. તેજસ્વી યાદવ શનિવારે જંતરમંતર પર ધરણા પ્રદર્શન કરશે. તેજસ્વી યાદવે ધરણામાં અન્ય લોકોને પણ જાડાવવા અપીલ કરી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, આ પ્રદર્શનમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીએમસી સહિત અન્ય વિપક્ષી દળો પણ જોડાઈ શકે છે.
મુઝફ્ફરપુરમાં નિરાધાર યુવતીઓ માટે બનાવવામાં આવેલા આશ્રય ગૃહમાં ૩૪ સગારીઓ સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આમાં ત્રણ બાળકીઓના મોતના અહેવાલ પણ મળી રહ્યા છે. આ બાળા ગૃહના સંચાલક બ્રજેશ ઠાકુરનું એનજીઓ કરી રહ્યું છે. બ્રજેશ ઠાકુર એક નાનકડુ પેપર ચલાવે છે. આ ઘટના બાદ વિપક્ષે નીતિશકુમાર સરકાર પર પ્રહાર કરવાનું મન બનાવી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારના મુજફ્ફરપુરમાં બાળા ગૃહની બાળકીઓ સાથે સનસનાટીપૂર્ણ રેપના મામલે હવે સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. ગુરૂવારે આજે સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાની સાથે લઇને બાળકીઓની સાથે થયેલા અત્યાચારના મામલે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, બિહાર સરકાર અને તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં રિપો‹ટગના મામલે મિડિયા માટે પણ કેટલાક ખાસ આદેશો જારી કર્યા છે.
આ સમગ્ર મામલામાં પટણામાં એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર પર આ નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર ઘટનાને આઘાતજનક ગણાવીને ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇન્સને સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ જારી કર્યો છે. મિડિયાને પણ કેટલીક સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે બાળકીઓના ફોટો કોઇ કિંમતે સપાટી પર આવવા જાઇએ નહી. આ ઉપરાંત કોઇ પણ પિડિતાના ઇન્ટરવ્યુ પણ આવવા જોઇએ નહી. સુપ્રીમ કોર્ટે હૈવાનિયત વાળા આ કાંડમાં એડવોકેટ અપર્ણા ભટ્ટને એમિકસ ક્યુરી તરીકે નિમવા માટેની પણ જાહેરાત કરી છે. સીબીઆઇ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. માત્ર બિહારમાં જ નહીં બલ્કે દેશમાં શેલ્ટર હોમમાં હૈવાનિયતની ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ આને લઇને નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. બિહારમાં માનવતા શરમજનક સ્થિતિમાં મુકી દેનાર ઘટનાઓને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ જારી છે.