નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ પર ડિઝીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી કેશબેક યોજનામાં કાપ મુકવામાં આવ્યો છે. ગ્રાહકોને પેટ્રોલ-ડિઝલ ભરાવવાની સ્થિતિમાં ડિઝીટલ ચુકવણી પર હવે ૦.૭૫ ટકાના બદલે માત્ર ૦.૨૫ ટકા જ છૂટછાટ મળશે.ચુકાદા સાથે જાડાયેલા લોકો દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે.
ડિઝીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી ૧૩મી ડિસેમ્બર ૨૦૧૬થી પેટ્રોલ અને ડિઝલ ખરીદવા પર ચુકવણી ડેબીટ, ક્રેડિટ કાર્ડથી કરવાની સ્થિતિમાં ૦.૭૫ ટકા છૂટછાટ મળતી હતી. આ છૂટછાટ કેશબેક માધ્યમથી આપવામાં આવી રહી હતી. આના અંદર ચુકવણીના ત્રણ દિવસ બાદ છૂટછાટની રકમ ગ્રાહકોના ખાતામાં પરત આવતી હતી. પેટ્રોલિયમ કંપનીઓએ હવે પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી છે કે છૂટછાટ ઓછી કરીને ૦.૨૫ ટકા કરવામાં આવી છે.
પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ પંપ સંચાલકોને મોબાઈલ પર એસએમએસ મોકલીને આ સંદર્ભમાં ગ્રાહકોને સૂચના આપવા માટે કહ્યું છે. પહેલી ઓગસ્ટ ૨૦૧૮ થી આને અમલી કરી દેવામાં આવી છે. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ, મોબાઈલ વોલીટ મારફતે પેમેન્ટ પર ૦.૭૫ ટકાના બદલે પેટ્રોલ પર પ્રતિ લીટર ૫૭ પૈસા અને ડિઝલ પર ૫૦ પૈસાની છૂટછાટ પ્રતિ લીટર મળતી હતી. આ છૂટછાટને ઘટાડીને પેટ્રોલ પર હવે ૧૯ પૈસા અને ડિઝલ પર ૧૭ પૈસા કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ડિઝીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રકારની છૂટછાટો અપાઈ હતી.