ગુવાહાટીઃ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનઆરસી પર સંસદથી લઇને માર્ગો સુધી સંગ્રામ જારી છે. આની ગૂંજ સંસદમાં પણ જોવા મળી રહી છે. એનઆરસીનો વિરોધ કરી રહેલા ટીએમસીના છ સાંસદો અને બે ધારાસભ્યોને આજે આસામના સિલ્ચર વિમાની મથકે અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા.
અટકાયતમાં લેવામાં આવ્યા બાદ તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, તેઓ એરપોર્ટ છોડીને જશે નહીં. તેમને પરત મોકલી દેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની ઇચ્છા સાથે આ લોકો પહોંચ્યા હતા, પરંતુ તેમને અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા. ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આસામ સરકારના આ પગલાની ટીકા કરી છે.
તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને આક્ષેપ કરતા કહ્યું છે કે, સિલ્ચર વિમાની મથકે તેમના નેતાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકો જન પ્રતિનિધિઓ છે. તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કાનૂનનું ઉલ્લંઘન કર્યું નથી. લોકોને મળવાનો તેમનો લોકશાહી અધિકાર છે. તેમણે ઉમેર્યું હતું કે, સિલ્ચરમાં સુપર ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે.
બીજી બાજુ સરકારે કહ્યું છે કે, સમગ્ર વિસ્તારમાં કલમ ૧૪૪ અમલી છે જેથી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જે નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમાં પશ્ચિમ બંગાળના મંત્રી શિરાજ હકીમ, રાજ્યસભાના બે અને લોકસભાના ચાર સાંસદોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, સિલ્ચરમાં હાલત ખુબ કફોડી બનેલી છે.
બ્રાયને કહ્યું હતું કે, આઠ નેતાઓના પ્રતિનિધિમંડળે એનઆરસી ડ્રાફ્ટથી બહાર રહેલા લોકોને મળવાની યોજના બનાવી હતી. તૃણમુલે આ મામલો સંસદમાં પણ ઉઠાવ્યો છે. સાથે સાથે સરકાર પાસેથી જવાબની માંગણી કરવામાં આવી છે. જો કે, હજુ સુધી સંતોષજનક જવાબ મળ્યા નથી.