અમદાવાદ: શહેરમાં જાહેર રસ્તાઓને અડીને આવેલા ગેરકાયદે અને અનઅધિકૃત દબાણોને હટાવીને રોડ-રસ્તા ખુલ્લા કરવાના મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરભરમાં હાથ ધરેલા અભિયાન હેઠળ આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણની ત્રણ ગાડી અને પચીસ મજૂરોના કાફલા સાથે સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીનાં દબાણ પર ત્રાટકી હતી અને મોટાપાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે સ્થાનિક દુકાનદારો અને વેપારીઆલમમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સીધી સૂચનાથી શહેરભરના દબાણગ્રસ્ત રસ્તાને ખુલ્લા કરવાની ઝુંબેશ ચાલી રહી હોઇ તેને લોકો આવકારી રહ્યા છે. ગઇકાલે પાનકોરનાકાથી ગાંધીરોડથી પાંચકૂવા દરવાજા સુધીના રોડ પરનાં દબાણ દૂર કરવાની કામગીરી તંત્રે હાથ ધરી હતી. લો ગાર્ડનના ખાણી-પીણી બજારનાં દબાણનો સફાયો કરવા ઉપરાંત ગાંધીરોડ પરનું ઓપરેશન ડિમોલિશન ચર્ચાસ્પદ બન્યું હતું. આશરે બે કિમી લંબાઇના રસ્તાને દબાણમુક્ત થયેલો જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા.
દરમ્યાન આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીના રસ્તા પરનાં દબાણને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી, જે અંતગર્ત સન એન સ્ટેપ કલબ, હેવમોર તેમજ ઓનેસ્ટના પા‹કગનાં દબાણોને હટાવાયાં હતાં. આ રસ્તા પરની ફૂટપાથ સહિતના ભાગને પાર્કિંગ તેમજ રાહદારીઓની મોકળાશપણે અવરજવર માટે ખુલ્લો કરાયો હતો.