કુપવારા ભીષણ અથડામણમાં બે ત્રાસવાદી ઠાર- શસ્ત્રો કબજે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કુપવારાઃ જમ્મુ કાશ્મીરના કુપવારામાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. ભીષણ અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિદેશક એસપી વૈદ્ય દ્વારા ટ્વિટર પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. કુપવારા રાજ્યના સૌથી સંવેદનશીલ વિસ્તારો પૈકી એક તરીકે છે.

ડીજીપી એસપી વૈદ્ય દ્વારા ટ્વિટર પર કહેવામાં આવ્યું છે કે, લોલાબ કુપવારામાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ભીષણ ઓપરેશનમાં બે ત્રાસવાદીઓ ઠાર થયા છે. ત્રાસવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લા સહિત કેટલાક જિલ્લાઓમાં તંગદિલી વચ્ચે ૨૬મી જુલાઈના દિવસે ત્રાસવાદીઓની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તરીય કાશ્મીરના કુપવારા અને શ્રીનગર શહેરમાં બે જુદા જુદા સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. કુપવારાના હેન્ડવારામાં પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં હાલ પણ મોટી સંખ્યામાં ત્રાસવાદી સક્રિય થયેલા છે. આ ત્રાસવાદીઓ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને હુમલા કરવાની યોજના ધરાવે છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે, ૨૦૦થી વધુ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે.

ઓપરેશન ઓલઆઉટ અને સેનાના આક્રમક વલણના કારણે ઘુસણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા રાજ્યમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. જેના કારણે ૨૩૦થી વધુ ત્રાસવાદીઓ મોતને ઘાટ  ઉતારી દેવામાં આવ્યા છે. જો કે સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી

.સંરક્ષણ પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના સેંકડો  પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કરી રહ્યા છે. ભારતીય સેનાએ આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાની બોર્ડ એક્શન ટીમના બે જવાનોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. સેનાના અધિકારીઓના કહેવા મુજબ પાકિસ્તાની સેના યુદ્ધ વિરામનો ભંગ કરીને હજુ પણ ગોળીબાર કરી શકે છે. મુખ્ય ઇરાદો અંકુશરેખા મારફતે આતંકવાદીઓને ઘુસાડવાનો રહ્યો છે. કાશ્મીરમાં જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં પણ હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે.

Share This Article