મુંબઇ: શેરબજારમાં આજે દિવસ દરમિયાન જોરદાર મંદી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે શરૂઆતી કારોબારમાં સેંસેક્સમાં આજે ૨૩૯ પોઇન્ટનો ઘટાડો થયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૭૨૮૧ની નીચી સપાટી પર હતો. આવી જ રીતે નિફ્ટી ૧૧૨૬૬ની નીચી સપાટી પર હતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ ગઇકાલે બુધવારના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા.જેના ભાગરૂપે રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે.ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો છે. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો.આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો.
આરબીઆઈની મોનિટરી પોલિસી કમીટીએ તમામ પાસાઓને ધ્યાનમાં લઇને રેટમાં વધારો કર્યો છે. કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ૭.૪ ટકા રહેવાની વાત કરી હતી.અત્રે નોંધનીય છે કે શેરબજારમાં ગઇકાલે પણ મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરીને ૬.૫૦ ટકા કરી દેવામાં આવ્યા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો જાવા મળ્યો હતો. બુધવારના દિવસે સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૨૨ની નીચી સપાટી ઉપર રહ્યો હતો
જ્યારે નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૧૧૩૪૬ની નીચી સપાટી ઉપર રહ્યો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હાલ જાહેર થઇ રહ્યા છે. આના ભાગરુપે નેસ્લે ઈન્ડિયા અને ટાઈટન કંપનીના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. અમેરિકા દ્વારા શુક્રવારના દિવસે જુલાઈ મહિના માટેના ફાર્મ પેરોલના ડેટા પણ જાહેર કરવામાં આવનાર છે. હાલમાં જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જુદી જુદી ચીજવસ્તુઓ અને સર્વિસ પર ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેની અસર સપ્તાહ દરમિયાન બજાર પર જાવા મળી હતી.હાલમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. શેરબજાર પર પોલીસી સમીક્ષાના પરિણામની કોઇ અસર થઇ નથી. કારણ કે શેરબજારમાં ઘટાડો જારી રહ્યો છે.