ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર-ગાંધીનગરનો આજે ૫૪મો જન્મદિવસ છે, ગાંધીનગરની જી.ઈ.બી. કોલોનીના ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ કે જ્યાં ગાંધીનગરના નિર્માણની પ્રથમ ઈંટ મૂકાઈ હતી, ત્યાં ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા ગાંધીનગરના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાય છે.
નગરમાં સૌપ્રથમ બિલ્ડિંગ વિશ્રામગૃહની બની હતી. જી.ઈ.બી. કોલોનીમાં આજે પણ આ ઈમારત ગેસ્ટ હાઉસ તરીકે વપરાશમાં છે. ગાંધીનગરના આદિ મકાનના પરિસરમાં આજે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે ગાંધીનગરના ‘આદિ મકાન’ પર જયાં તકતી મૂકવામાં આવી છે, ત્યાં મંગલ દિપ પ્રગટાવીને જન્મદિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલ, કલેકટર એસ.કે.લાંગા, વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઈ બુચ તથા વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ગાંધીનગરના નિર્માણની શરૂઆત ૧૯૬૫ની ૨જી ઓગસ્ટે થઈ હતી.