પટણા : બિહારના મુજફ્ફરપુરના સેલ્ટર હોમમાં યુવતિઓની સાથે રેપની ઘટનાના કારણે બિહારની રાજનીતિમાં હવે ભૂકંપની સ્થિતી સર્જાઇ ગઇ છે. આ મામલામાં લેફ્ટ પાર્ટિઓના નેતૃત્વમાં આજે બિહાર બંધની હાકલ કરવામાં આવ્યા બાદ સ્થિતી વણસી ગઇ હતી. બંધને આરજેડી અને કોંગ્રેસના લોકોએ પણ સમર્થન આપ્યુ છે. લેફ્ટ પાર્ટીઓ શેલ્ટર હોમ મામલામાં મુખ્યપ્રધાન નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે. બંધના કારણે પટણામાં તમામ સ્કુલોને બંધ કરવામાં આવી હતી. પ્રદેશની કેટલીક જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી.
મુજફ્ફરપુરના બાલિકા ગૃહમાં ૩૪ યુવતિઓની સાથે રેપના હેવાલ બાદથી રાજયમાં રાજકીય ઘમસાણની સ્થિતી છે. વિપક્ષ દળો રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. બીજી બાજુ બંધ દરમિયાન પાટનગર પટણામાં સુરક્ષા કર્મચારીઓ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પટણામાં સ્કુલ સાવચેતીના પગલા રૂપે બંધ રાખવામાં આવી હતી. બીજી બાજુ જહાનાબાદ, મધુબાની અને દરભંગામાં ટ્રેનો રોકવામાં આવી હતી.
દરમિયાન આરજેડી નેતા તેજસ્વી કુમારે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર તેજાબી પ્રહરો કર્યા છે. તેમણે કહ્યુ કે અમે નીતિશ કુમારને નિવેદન કરવાની ફરજ પાડીશુ. તેમની કુંભકર્ણની ઉંઘને અમે ભગાડીને જ માનીશુ. તેઓ હાલમાં અપરાધિક મૌન પાળી રહ્યા છે. તેની દેખાવવા પુરતી નૈતિકતા લોકોની સામે આવી ગઇ છે. પોલીસે ૪૪ યુવતિઓના નિવેદન દાખલ કર્યા હતા. સીબીઆઇ દ્વારા સમગ્ર મામલે ઉંડી તપાસ હાથ ધરી છે. હાલમાં મેડીકલ તપાસમાં ઓછામાં ઓછી ૩૪ બાળકીઓ સાથે રેપના હેવાલને સમર્થન મળ્યુ છે. હજુ પણ ચોંકાવનારી વિગત સપાટી પર આવી શકે છે.