અમદાવાદ: એટ્રોસીટી એકટમા ફેરફાર, દલિતો પર અત્યાચાર, અન્યાય સહિતના પ્રશ્નોને લઇ વિવિધ સામાજિક સંગઠનો તરફથી દેશભરના દલિતો-આદિવાસીઓના પ્રાણપ્રશ્ને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, તેને દલિત સેના, ગુજરાત પ્રદેશ દ્વારા આજે જોરદાર સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ૯મી ઓગસ્ટે દલિત સેના, ગુજરાત પ્રદેશના તમામ પ્રમુખ નેતાઓની આગેવાનીમાં સારંગપુર સર્કલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિશાળ ધરણાં અને દેખાવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
દલિત સેનાના પ્રમુખ ડાહ્યાભાઇ પરમાર, ગુજરાતના પ્રભારી મુકેશભાઇ ગુર્જર સહિતના અગ્રણી નેતાઓ તરફથી દલિતો પરના અત્યાચાર અને દલિતોને થઇ રહેલા ભારોભાર અન્યાયને લઇ આજે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને ગંભીર ચીમકી આપવામાં આવી હતી. બીજીબાજુ, દલિત સેનાના આ એલાન અને ચીમકીને પગલે સરકાર દ્વારા અત્યારથી જ રાજય પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રોને એલર્ટ કરી દેવાયા છે.
એટ્રોસીટી એકટમા ફેરફાર, દલિતો પર અત્યાચાર, અન્યાય સહિતના પ્રશ્નોને લઇ વિવિધ સામાજિક સંગઠનો તરફથી તા.૯મી ઓગસ્ટે અપાયેલા ભારત બંધના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કરતાં દલિત સેનાના પ્રમુખ ડાહ્યાભાઇ પરમાર, ગુજરાતના પ્રભારી મુકેશભાઇ ગુર્જરે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલાં જ સુપ્રીમકોર્ટના જજ એ.કે.ગોયલે એટ્રોસીટી એકટમાં ફેરફાર અંગેનો દૂરોગામી અસરો જન્માવતો મહત્વનો ચુકાદો જારી કર્યો હતો. જેને લઇ દેશભરમાં ખાસ કરીને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ ચુકાદાને લઇ પડેલા પ્રત્યાઘાતોમાં ૧૫થી વધુ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જે કમનસીબ ઘટના છે. આટલી ગંભીર બાબત છતાં કેન્દ્ર સરકારે કોઇ નક્કર પગલાં લીધા ન હતા અને ઉલ્ટાનું સમગ્ર મામલા પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરતાં દેશના ગરીબ, દલિત અને આદિવાસી સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી.
તાજેતરમાં જ સુપ્રીમકોર્ટના જજ એ.કે.ગોયલ નિવૃત્ત થતાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)ના ચેરમેન બનાવી દેવાતાં સમગ્ર દેશના દલિતોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઇ ખુદ દલિત સમાજના કેન્દ્રીય નેતાઓ સહિતના મહાનુભાવોએ એનજીટીના ચેરમેનપદેથી તાત્કાલિક ધોરણે એ.કે.ગોયલને હટાવવા માંગણી કરી છે.
દલિત સેનાના પ્રમુખ ડાહ્યાભાઇ પરમાર, ગુજરાતના પ્રભારી મુકેશભાઇ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરના દલિત-આદિવાસી નેતાઓએ કેન્દ્ર સરકારને ૭મી ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે જો ત્યાં સુધીમાં એનજીટીના ચેરમેન પદેથી એ.કે.ગોયલને નહી હટાવાય તો ૯મી ઓગસ્ટનું ભારત બંધનું એલાન યથાવત્ રહેશે. દલિત સેના, ગુજરાત પ્રદેશ દ્વારા પણ આ રાષ્ટ્રવ્યાપી લડતમાં ટેકો જાહેર કરી ગુજરાતના તમામ જિલ્લા-તાલુકા મથકે દલિત સેનાના ભીમસૈનિકો નીલા ઝંડા સાથે જાહેરમાર્ગો પર ઉતરી આવી લોકશાહી ઢબે પોતાનો ઉગ્ર વિરોધ વ્યકત કરશે.
૯મી ઓગસ્ટના ભારત બંધના એલાનને સફળ બનાવવાના ભાગરૂપે દલિત સેના, ગુજરાત પ્રદેશ દ્વારા દલિત સેનાના તમામ આગેવાનો-પ્રમુખોની ઉપસ્થિતિમાં શહેરના સારંગપુર સર્કલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિશાળ ધરણાં અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં સેંકડો દલિત કાર્યકરો અને ભીમસૈનિકો હાજરી આપશે.