નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન એટલે કે પ્રોવિડેન્ટ ફંડ જેવી બાબતમાં સેલરીતી યોગદાનને ઘટાડી દઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. આના કારણે લોકોના હાથમાં ખર્ચ કરવા માટે વધારે રકમ આવશે. આના માટે શ્રમ મંત્રાલયની એક સમિતિ દ્વારા કન્ટ્રીબ્યુશન લિમિટની સમીક્ષા કરવામાં આવી રહી છે.
એક સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે સમિતિ આ મહિનાના અંત સુધીમાં તમામ જરૂરી ભલામણો તૈયાર કરી લેશે. તે સોશિયલ સિક્યોરિટી માટે ઓછા યોગદાનની ભલામણ કરી શકે છે. શરૂઆતી અંદાજમાં જાણવા મળ્યુ છે કે એમ્પ્લોઇ કન્ટ્રીબ્યુશનમાં ઓછામાં ઓછા બે ટકાનો ઘટાડો થઇ શકે છે.
આ પહેલ હેઠળ કંપનીઓના યોગદાનમાં ઘટાડો કરવામાં આવી શકે છે. સમિતિની ભલામણો આવ્યા બાદ શ્રમ મંત્રાલય દ્વારા આ સંબંધમાં તમામ પક્ષો સાથે વાતચીત કરવામાં આવનાર છે. ત્યારબાદ ફેરફારના સંંબંધમાં અંતિમ રૂપ આપીને તેમને સોશિયલ સિક્યુરિટી કોડના હિસ્સા તરીકે બનાવી શકાય છે. તમામ લોકો જાણે છે કે હાલમાં સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન એમ્પ્લોઇના બેઝિક પગારના ૨૪ ટકા સુધી હોય છે. તેમાં કર્મચારીનો ૧૨ ટકાનો હિસ્સો રહેલો છે. જે પીએફ ખાતામાં જાય છે. કંપની પણ તેમાં ૧૨ ટકાનુ યોગદાન આપે છે.
આ પૈસા પેન્શન એકાઉન્ટ, પીએફ ફંડ એકાઉન્ટ અને ડિપોઝિટ લિન્ક ઇન્સ્યોરન્સ સ્કીમમાં વિભાજિત થઇ જાય છે. ફેરફાર કરવામાં આવ્યા બાદ કર્મચારીઓ અને કંપની બંનેમાંથી હિસ્સો ઘટીને ૧૦ ટકા રહી જશે. આના કારણે વર્કરને હાથમાં વધારે પૈસા આવશે. જે યુનિટમાં ૨૦થી વધારે લોકો કામ કરે છે તેમના માટે પહેલાથી જ ૧૦ ટકા કન્ટ્રીબ્યુશન નિયમ લાગુ છે.