મુંબઇ: મરાઠા અનામતની માંગને લઇને મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. આજે પોતાની માંગોને લઇને માર્ગો પર ઉતરેલા લોકોએ પુણે-સોલાપુર હાઇવે પર નાકાબંધી કરી હતી. બીજી બાજુ અનામતની માંગને લઇને આંદોલનકારી આજથી જેલ ભરો આંદોલન શરૂ કરી ચુક્યા છે. જેલ ભરો આંદોલનની ચેતવણીને ધ્યાનમાં લઇને મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે.
બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાંતિ જાળવી રાખવા માટે લોકોને અપીલ કરી છે. મરાઠા અનામત આંદોલનને લઇને તંગદિલીનો દોર જારી રહ્યો છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ૩૮ વર્ષીય વ્યક્તિએ આપઘાત કરી લીધા બાદ મરાઠા આંદોલનમાં હજુ સુધી મોતનો આંકડો વધીને છ સુધી પહોંચી ગયો છે.
પોલીસે કહ્યું છે કે, આ મુદ્દા ઉપર ઔરંગાબાદમાં એક વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. ૨૮ વર્ષીય પ્રમોદ ઘોરે પાટીલે આપઘાત કર્યો હતો. પ્રમોદે રવિવારના દિવસે ફેસબુક અને વોટ્સએપ પર લખ્યું હતું કે તે અનામતની માંગને લઇને પોતાની જાન આપી દેશે. આ પોસ્ટ બાદ તેની શોધખોળ શરૂ થઇ હતી. આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મરાઠા આંદોલનને લઇને મંગળવારે વ્યાપક હિંસા થઇ હતી. સોમવારે હિંસા દરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસા વધતી જતાં થોડાક સમય માટે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. જા કે, મામલો શાંત થયા બાદ કલમ ૧૪૪ને હટાવી લેવામાં આવી હતી. પુણે-નાસિક માર્ગ ઉપર અચાનક હિંસાની શરૂઆત થઇ હતી.