મુંબઈ : ઓઇલથી ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આજે ભારતની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની ટીસીએસને પાછળ છોડીને માર્કેટ મૂડીની દ્રષ્ટિએ સૌથી વધારે મુડી ધરાવતી કંપની બની જવામાં સફળતા મેળવી હતી. એપ્રિલ મહિના બાદ પ્રથમ વખત તેની માર્કેટ મૂડી વધી ગઈ છે. બીએસઈ પાસેથી મળેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, બીએસઈમાં આજે તેના શેરની કિંમત ૧,૧૮૫.૮૫ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૭.૫૧ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જ્યારે ટીસીએસના શેરમાં ૦.૧૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેના શેરની કિંમત આજે ૧,૯૪૧.૨૫ રૂપિયા પ્રતિશેર બોલાઈ હતી.
આની સાથે જ તેની માર્કેટ મૂડી ૭.૪૩ ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. આરઆઈએલ શેરમાં વધારો થવા માટે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જવાબદાર રહ્યા છે. તેના નેટ પ્રોફિટમાં ૧૮ ટકાનો વધારો થતાં આ આંકડો ૯,૪૫૯ કરોડ સુધી પહોંચ્યો છે. ટીસીએસે ત્રિમાસિક ગાળાના રેવેન્યુના આંકડા પાંચ અબજ ડોલર રાખ્યા હતા. આરઆઈએલના શેરમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ટીસીએસે ૧૦મી જુલાઈના દિવસે ૨૪ ટકાનો પ્રોફિટ વધારો જાહેર કર્યો હતો જે બે વર્ષમાં સૌથી વધારે છે.
બેંકિંગ, ફાયનાન્સીયલ સર્વિસ અને નોર્થ અમેરિકન ઓપરેશનના કારણે તેની સ્થિતિ સુધરી રહી છે. જા કે, છેલ્લા કેટલાક દિવસથી ટીસીએસના શેરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આરઆઈએલની મૂડી વધી છે. જુલાઈ મહિનામાં હજુ સુધી આરઆઈએલના શેરમાં ૨૧ ટકાનો વધારો થયો છે જ્યારે ટીસીએસના શેરમાં ૪.૫ ટકાનો વધારો થયો છે.
હવે આરઆઈએલની માર્કેટ મૂડી ૭.૫૧ ટ્રિલિયન જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ૭.૪૩ ટ્રિલિયન થઇ : અહેવાલ