મુંબઇઃ શેરબજારમાં આજે તેજી રહી હતી. સતત ચોથા કારોબારી સેશનમાં તેજી રહી હતી. આરબીઆઈની ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવે તેના પહેલા બજારમાં તેજી રહી છે. આવતીકાલે મોનિટરી પોલિસીના પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૧૨ પોઇન્ટ ઉછળીને ૩૭૬૦૭ની રેકોર્ડ ઉંચી સપાટીએ રહ્યો હતો, જ્યારે બ્રોડર નિફ્ટી ૩૭ પોઇન્ટ ઉછળીને ૧૧૩૫૬ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સે એક વખતે ૩૭૬૪૫ની ઓલટાઈમ સપાટી મેળવી હતી જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ઇન્ટ્રા ડે દરમિયાન ૧૧૩૬૬ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટેક મહિન્દ્રામાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. હાઉસિંગ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુનિટેકમાં તેજી રહી હતી.
એશિયન શેરબજારમાં ઉથલપાથલ રહી હતી. જાપાનના નિક્કીમાં ૦.૧ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બીજા ત્રિમાસિકગાળાના મજબૂત પરિણામ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં કોસ્પી ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હાલ જાહેર થઇ રહ્યા છે. આના ભાગરુપે ઈન્ડિયન બુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ અને મેરીકોના પરિણામ ગુરૂવારના દિવસે જાહેર કરાશે.
નેસ્લે ઈન્ડિયા અને ટાઈટન કંપનીના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. યુએસ ફેડની મિટીંગ બુધવારે મળનાર છે જેમાં વ્યાજદરના સંદર્ભમાં જાહેરાત કરવામાં આવનાર છે. જુન મહિનામાં જ યુએસ ફેડ દ્વારા તેના બેંચમાર્ચ શોર્ટ ટર્મ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો. વધુ બે વખત આ વર્ષે વધારો કરવાના સંકેત પણ આપવામાં આવ્યા હતા. બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ ગુરૂવારે વ્યાજદર જાહેર કરવામાં આવનાર છે.
અમેરિકા દ્વારા શુક્રવારના દિવસે જુલાઈ મહિના માટેના ફાર્મ પેરોલના ડેટા પણ જાહેર કરવામાં આવનાર છે. ગયા શનિવારના દિવસે જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જુદી જુદી ચીજવસ્તુઓ અને સર્વિસ પર ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેની અસર સપ્તાહ દરમિયાન બજાર પર જોવા મળી હતી. ગયા શનિવારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો.
ગઇકાલે સોમવારના દિવસે ઉથલપાથલ વચ્ચે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૫૮ પોઇન્ટ ઉછળીને ૩૭૪૯૪ની રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઉછળીને ૧૧૩૨૦ની સપાટીએ રહ્યો હતો.