અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતાં સુવિધાસભર-ગુણવત્તાયુક્ત ભવનો, કચેરીઓ તેમજ કર્મયોગી આવાસો નિર્માણની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કઠીન પરિસ્થિતિમાં કાર્ય કરતા પોલીસકર્મીઓને કામકાજના સ્થળે અને વિરામ દરમિયાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળી કચેરીઓ-આવાસો પોલીસ આવાસ નિગમ નિર્માણ કરે છે તે અભિનંદનીય છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સેક્ટર-૧૦ બી માં ૨૯૩૮ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી ૮.૭૦ કરોડના ખર્ચ નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમ લી. વડી કચેરીનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું. વિજય રૂપાણીએ ધણા લાંબા સમય બાદ નિગમને પોતાનું આગવું ભવન મળવા અંગે આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, પોલીસ આવાસ નિગમ રાજ્યમાં ગુણવત્તાયુક્ત, ઝડપી અને ટાઈમ બાઉન્ડ આવાસ-કચેરીઓના બાંધકામમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડ ગર્વનન્સથી શ્રેષ્ઠ કાર્યસ્થળોના નિર્માણની જે દિશા આપી છે તેને આપણે વર્કકલ્ચરમાં બદલાવ અને કોર્પોરેટ ટાઈપ ભવનો-સુવિધાઓથી જાળવી રાખવાની છે. તેમણે આવાસ નિગમ દ્વારા હવે નિર્માણ થનારા આવાસો, ભવનો-કચેરીઓ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ, સોવાર પેનલ્સ અને વોટર મેનેજમેન્ટના કન્સેપ્ટ સાથે બનાવવાનું પ્રેરક સૂચન પણ આ વેળાએ કર્યું હતું. વિજય રૂપાણીએ રાજ્યમાં પ્રવર્તમાન પોલીસ લાઈનોના મકાનોની મરામત દુરસ્તી હાથ ધરવા પણ નિગમને પ્રેરણા આપી હતી.
ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના ૩૬૮૫૬ રહેણાંક મકાનોનું બાંધકામ ૨૧૨૨ કરોડના અંદાજીત ખર્ચે હાથ ધરાયું છે તેમાંના ૩૫૧૩૪ મકાનો સરકારને વપરાશ હેતુ સુપરત કરી દેવાયા છે. નિગમે ૨૯૪૮ બિનરહેણાંક મકાનો ૧૪૦૬ કરોડના ખર્ચે બાંધવાનું કામ હાથ ધરીને ૧૬૦૦ આવાસો વપરાશ માટે સોંપી દીધા છે. આ નિગમ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવિન કચેરી ૮૦ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણાધીન છે. એટલું જ નહિ, નિગમે એસીબી ભવન, હોમગાર્ડ ભવન, નશાબંધી ભવન, જેલ ભવન તેમજ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરના નિર્માણ પ્રોજેક્ટસ પણ હાથ ધરેલા છે. આ નિગમ દ્વારા વન, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, હોર્ટિકલ્ચર વિભાગ, પાઠ્ય પુસ્તકમંડળ, ઘેટાં ઊન વિકાસ નિગમ વગેરેના બાંધકામો પણ હાથ ધરાયા છે.