મશાલ સ્પોટ્ર્સ પ્રાઇવેટ લિમિટેડે વીવો પ્રો-કબડ્ડી લીગની છઠ્ઠી સિઝનની જાહેરાત કરી છે, જે ૫ ઓક્ટોબર, ૨૦૧૮ના શુક્રવારના રોજ શરૂ થશે અને ૫ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ફિનાલે યોજાશે.
આ લીગ તેના પ્રવર્તમાન ફોર્મેટ પ્રમાણે ૧૩ સપ્તાહ માટે યોજાશે. આ પહેલાં લીગની પાંચમી સિઝનમાં ટીમની સંખ્યા ૮થી વધીને ૧૨ થઇ હતી તેમજ ૧૩ સપ્તાહ દરમિયાન ૧૩૮ મેચના આયોજન સાથે લીગે વ્યૂઅરશીપ બાબતે અભુતપૂર્વ સફળતાં હાંસલ કરી રેકોર્ડ સ્થાપ્યો હતો. ૧૦૦ બિલિયન મીનીટ્સના વોચ ટાઇમ સાથે ૩૧૩ મિલિયન વ્યઅર્સે વિવિધ મેચ જોઇ હતી તેમજ સિઝન ૫ની ફાઇનલ મેચ ભારતીય ટેલિવિઝન ઉપર ક્રિકેટ સિવાયની સૌથી વધુ જોવાયેલી મેચ બની હતી.
વીવો પ્રો કબડ્ડીના લીગ કમીશનર અનુપમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૦૧૮ એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખતાં ભારત અને વિદેશના ટોચના ખેલાડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે જુલાઇ-ઓક્ટોબરની સાઇકલની વિન્ડોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ વિન્ડો ટીમ અને ચાહકોને તહેવારોની સિઝનની મજા માણવાની પણ તક આપશે. સમગ્ર લીગની ઇકોસિસ્ટમ ચાહકોને ઉચ્ચ સ્તરીય કબડ્ડીનો અનુભવ પૂરો પાડવા માટે સજ્જ છે.
એકેએફઆઇના પ્રેસિડેન્ટ ડો. મૃદુલ ભદોરિયાએ જણાવ્યું હતું કે, વીવો પ્રો-કબડ્ડી લીગે વર્ષ ૨૦૧૪માં તેના પ્રારંભથી જ આપણા દેશમાં નોંધપાત્ર પ્રગતિ અને લોકપ્રિયતા હાંસલ કરી છે અને ફેડરેશન ખાતે અમે સિઝન ૬ની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છીએ. વીવો પ્રો કબડ્ડીએ પોતાની જાતે ઉચ્ચ સ્પર્ધાત્મક લીગ તરીકે સ્થાપિત કરી છે અને અમે દર વર્ષે સ્પર્ધાત્મકતામાં વધારાની અપેક્ષા રાખીએ છીએ. અમે ફ્રેન્ચાઇઝીને શુભેચ્છા પાઠવીએ છીએ અને બેસ્ટ કબડ્ડીની અપેક્ષા રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે વીવો પ્રો કબડ્ડી તેની પાંચમી સિઝનમાં સૌથી મોટી ડોમેસ્ટિક સ્પોટ્ર્સ લીગ તરીકે તરીકે ઉભરી આવી છે અને સૌથી સફળ સિઝન રહી છે. સિઝન ૬ એક્શનથી ભરપૂર રહેશે અને દેશભરના કબડ્ડીના ચાહકો માટે રસાકસી અને રોમાંચથી ભરપૂર મેચ લઇને આવશે.
દર્શકો સ્ટેડિયમની સાથે-સાથે સ્ટાર સ્પોટ્ર્સ નેટવર્ક અને હોટસ્ટાર ઉપર વીવો પ્રો કબડ્ડી સિઝન ૬ જોઇ શકશે.