અમદાવાદ : અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશાનુસાર જાહેર રસ્તા પર ગંદકી ફેંકનારા ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા તત્વો વિરૂધ્ધ આજે પણ અમ્યુકો સત્તાવાળાઓએ સપાટો બોલાવી ૯૯થી વધુ એકમોને સીલ કર્યા હતા. જેમાં મોટેરા વિસ્તારમાં આવેલા ડીમાર્ટનો સમાવેશ થાય છે.
અમ્યુકો સત્તાવાળાઓની આ ઝુંબેશમાં છેલ્લા પાંચ દિવસના ગાળામાં શહેરભરમાં ૬૬૧થી વધુ એકમોને સીલ મારી કાર્યવાહી થઇ ચૂકી છે. છેલ્લા પાંચ દિવસમાં જાહેરમાં ગંદગી કરતા એકમો પાસેથી ૧૩.૨૩ લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા તત્વો કે એકમો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલુ રહેવાની છે. અમ્યુકો તંત્રના અધિકારીઓ દ્વારા આજે શહેરના પશ્ચિમ ઝોનનાં સાબરમતી વોર્ડના સ્મૃતિમંદિર પાસે મોર્ડન એરા, રામનગરમાં પ્રકાશ કોલ્ડ્રીંક, આયુષી નાસ્તા હાઉસ, બેરોનેટ કોમ્પલેકસ ચાર રસ્તા પાસેનું સત્યમ્ પાન પાર્લર, જવાહર ચોકમાં ચામુંડા પાન પાર્લર, ચાંદખેડા વોર્ડમાં આઇઓસી-ચાંદખેડા રોડ પરનું મિલન ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, હરસિદ્ધ સ્ટેશનરી માર્ટ, ચાંદખેડા બસ સ્ટેશન પાસેનું બજરંગ પાન પાર્લર, પ્રકાશ પાન પાર્લર અને ન્યુ સીજીરોડ પરનું લક્ષ્મી વેજીટેબલ માર્ટ વિરૂધ્ધ જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ તાળા મારવામાં આવ્યા હતા.
તો બીજીબાજુ, ચાંદખેડામાં ઉત્તમ સ્વીટમાર્ટના સુભારામ ફુલાજી ચૌધરી પાસે ૩૦૦૦, શ્રી આઇ મોબાઇલ શોપના સંદીપકુમાર એન. પટેલ પાસે ર૦૦૦ અને ચાંદખેડા બસ સ્ટેશન પાસેના ઘનશ્યામ પાન પાર્લરથી ૧૦૦૦ મળીને ૬૦૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો હોવાનું પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો.દક્ષાબહેન મૈત્રકે જણાવ્યુ હતું. દરમ્યાન દક્ષિણ ઝોનનાં હેલ્થ વિભાગના વડા ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, આજે પણ અમ્યુકોની ઝુંબેશ દરમ્યાન શહેરના મણિનગરમાં ત્રણ, બહેરામપુરામાં ચાર, દાણીલીમડામાં પાંચ, ઇન્દ્રપુરીમાં પાંચ, વટવામાં પાચ, ઇસનપુરમાં પાંચ, લાંભામાં પાંચ અને ખોખરામાં પાંચ મળીને કુલ ૩૭ ધંધાકીય એકમોને સીલ કરાયા હતા.
જ્યારે મધ્યઝોનમાં ખાડિયામાં છ, દરિયાપુરમાં ત્રણ, શાહપુરમાં એક, જમાલપુરમાં પાંચ, શાહીબાગમાં ત્રણ અને અસારવામાં બે મળીને કુલ ર૦ ધંધાકીય એકમને જાહેરમાં ગંદકી કરવા મામલે સીલ કરાયા હોવાનું મધ્યઝોનના વડા ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું. દરમ્યાન તંત્રની જાહેર રસ્તા પર ગંદકી ફેલાવતા ધંધાકીય એકમો વિરુદ્ધ હાથ ધરાયેલી તાજેતરની ઝુંબેશ હેઠળ અત્યારસુધીમાં ૬૬૧થી વધુ એકમોને સીલ મારીને રૂ.પાંચ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલાયો છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સત્તાધીશોની ઝુંબેશ ચાલુ રહેશે.