અમદાવાદ : શહેરના જોધપુર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના સોમેશ્વર એપાર્ટમેન્ટની મોટી દિવાલ આજે સવારે બાજુમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઇટ માટે ખોદેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. સોમેશ્વર એપાર્ટમેન્ટના રહીશની એક કાર દીવાલ પાસે પાર્ક કરી હતી. દીવાલ ધરાશાયી થતાં કાર પણ ઊંડા ખાડામાં ખાબકી હતી. દીવાલ ધરાશાયી થતાં કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ જેસીબી, ટ્રેક્ટર અને કારને નુકસાન પહોંચ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોમેશ્વર એપાર્ટમેન્ટને અડીને પેલેડિયમ એપાર્ટમેન્ટનું બાંધકામ થઈ રહ્યું છે, જેના લીધે આ દીવાલ ધરાશાયી થઇ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાનિ ટળી છે, કારણ કે પેલેડિયમ એપાર્ટમેન્ટમાં સંખ્યાબંધ મજૂરો કામ કરે છે. સવારના નવ વાગ્યા પછી તમામ મજૂરો કામ પર આવી જાય છે ત્યારે આ ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. જો કે, કોઇ જાનહાનિ નહી નોંધાતા સ્થાનિકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.
જોધપુર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનાની સોમેશ્વર એપાર્ટમેન્ટની અંદાજિત ૧૦૦ ફૂટ કરતાં વધુની દીવાલ ધરાશાયી થઇ હતી. સોમેશ્વર એપાર્ટમેન્ટની બાજુમાં પેલેડિયમ એપાર્ટમેન્ટ નામના ફ્લેટ બની રહ્યા છે. આ ફ્લેટના પાયા ખોદાઇ ગયા છે અને કેટલુંક બાંધકામ પણ થઇ ગયું છે. પેલેડિયમ એપાર્ટમેન્ટ માટે સોમેશ્વર એપાર્ટમેન્ટની દીવાલને અડીને પાયા ખોદી નાખ્યા છે, જેના કારણે દીવાલ પડી જાય તેવી સ્થિતિમાં હતી.
દરમ્યાન સોમેશ્વર એપાર્ટમેન્ટના ચેરમેન વિજયભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે દીવાલ પડી ગઇ છે, જેના કારણે એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી કાર અને બાજુની સાઇટમાં પડેલ જેસીબી અને ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યું છે. થોડાક દિવસ પહેલાં પડેલા મુશળધાર વરસાદના કારણે આ દીવાલમાં ગાબડું પડી ગયું હતું, જેનું રેતીથી પુરાણ કરી દેવામાં આવ્યું હતું. વરસાદ બાદ આ દીવાલ પડી જાય તેવી શક્યતા હતી ત્યારે આજે સવારે તે ધરાશાયી થઇ છે. આ ઘટનાથી લોકોમાં સોમેશ્વર એપાર્ટમેન્ટના બાંધકામને લઇ અનેક સવાલો ઊભા થયા છે. વિજયભાઇએ વધુમાં જણાવ્યું છે કે દર વર્ષે વરસાદના કારણે દીવાલ પડી જાય છે. છેલ્લાં બે વર્ષથી દીવાલ પડી જાય છે ત્યારે બીજી તરફ વરસાદનાં પાણી પણ બાથરૂમમાં આવી જાય તે રીતનાં ગાબડાં પડી ગયાં છે.