રાંચી: ઝારખંડના પાટનગર રાંચીમાં એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ ઘરની અંદર મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. શરૂઆતી તપાસમાં પોલીસ આને આત્મહત્યાનો કેસ ગણી રહી છે. મૃત્યુ પામનાર સાત લોકોમાંથી પાંચ લોકો મોટી વયના અને બે લોકો બાળકો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સાત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલામાં પોલીસ આસપાસના લોકો પાસેથી પણ માહિતી એકત્રિત કરી રહી છે. હજુ સુધી આવી માહિતી મળી શકી નથી કે, આ લોકોએ આપઘાત કેમ કર્યો છે.
આ ઘટના શહેરના કાંકે વિસ્તારમાં બની છે. સોમવારે સવારે પોલીસને એક ઘરમાંથી સાત લોકોના મતૃદેહ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલમાં આ મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. બે લોકો ફાંસી ઉપર લટકેલી હાલતમાં મળી આવ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, દિપક ઝા નામની વ્યક્તિ મૂળભૂતરીતે બિહારના ભાગલપુરના નિવાસી હતા. તેઓ એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા. પરિવારની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. આજે સવારે દિપક, તેમના પત્નિ અને તેમના માતા-પિતા અને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પહેલા પ્રદેશના હઝારીબાગ જિલ્લામાં એક જ પરિવારના છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ લોકોએ પણ સામૂહિકરીતે આપઘાત કર્યો હતો. પોલીસને ત્યાંથી આપઘાત અંગેની નોંધ મળી આવી હતી. આને લઇને ઉંડી તપાસ પણ હાથ ધરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં આ મામલો પણ તપાસ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ પોલીસે હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.