નવીદિલ્હી: દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આજે ચોક્કસ અવધિ માટે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા તો જમા રકમ ઉપર વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વ્યાજદરો પાંચથી ૧૦ બેઝિક પોઇન્ટ અથવા તો ૦.૦૫ ટકાથી ૦.૧ ટકા સુધી વધારવામાં આવ્યા છે.
નવા દરો ૩૦મી જુલાઈ એટલે કે તરત જ અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસબીઆઈ પોતાની વેબસાઇટ ઉપર આ અંગેની માહિતી આપી દીધી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, તે એકથી બે વર્ષની એફડી પર હવે ૬.૭૦ ટકાના દરે વ્યાજ આપશે જે હાલમાં ૬.૬૫ ટકા છે. જ્યારે બેથી ત્રણ વર્ષની જમા રકમ ઉપર વ્યાજદર ૬.૬૫ ટકાથી વધારીને ૬.૭૫ ટકા કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝનો માટે એકથી બે વર્ષની જમા રકમ ઉપર ૭.૧૫ ટકાના બદલે ૭.૨૦ ટકા અને બેથી ત્રણ વર્ષની એફડી ઉપર ૭.૧૫ની જગ્યાએ ૭.૨૫ ટકા વ્યાજદર આપશે.
આ દરો એક કરોડ રૂપિયા સુધીના એફડી ઉપર લાગૂ થશે જ્યારે નાની નાની અવધિ માટે જમા મોટી રકમ ઉપર વ્યાજદરો ઉપર ઘટાડો કરવામાં આવ્યો છે. એકથી બે વર્ષ માટે એક કરોડથી ૧૦ કરોડ રૂપિયા સુધીના ડિપોઝિટ ઉપર વ્યાજદર ૭ ટકાથી ઘટાડીને ૬.૭૦ ટકા કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝનના મામલામાં આ દર ૭.૫૦ ટકાથી ઘટાડીને ૭.૨૦ ટકા કરવામાં આવ્યો છે.
એકથી ૧૦ કરોડ રૂપિયાના ડિપોઝિટ પર અવધિની દ્રષ્ટિએ નવા વ્યાજદરો જારી કરવામાં આવ્યા છે. આવી જ રીતે એકથી બે વર્ષ માટેના ૧૦ કરોડ રૂપિયાથી વધુના ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર વ્યાજદર સાત ટકાથી ઘટાડીને ૬.૭૦ ટકા કરવામાં આવ્યો છે. જુદી જુદી અવધિ માટે ૧૦ કરોડથી વધુની રકમ ઉપર વ્યાજદરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યા છે.