પટણા : બિહારના મુજફ્ફરનગરના સેલટર હોમમાં યુવતીઓથી રેપના મામલામાં સીબીઆઈએ આખરે રાજ્ય સરકારની અપીલ પર કેસ દાખલ કરી દીધો છે. આ મામલામાં બાળા ગૃહ સાહુ રોડના અધિકારીઓ અને કર્મચારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. એવા આક્ષેપ છે કે બાળા ગૃહમાં રહેતી યુવતીઓ સાથે શારીરીક, માનસિક શોષણ કરવામાં આવી રહ્યું હતું. મામલામાં એફઆઈઆર લખવામાં આવ્યાના બે મહિના બાદ તબીબોની એક ટીમે ત્યાં પહોંચીને રૂમમાં તપાસ કરી હતી.
ટીમને ત્યાંથી ૬૩ દવાઓ અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તમામના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોએ સેલટર હોમથી બાળકીઓના વસ્ત્રો અને કોમ્પ્યુટર પણ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ મામલામાં ખુલાસા બાદથી બિહારની રાજનીતિ ગરમ બની ગઈ છે. હજુ સુધી મેડિકલની તપાસમાં ઓછામાં ઓછી ૩૪ બાળકીઓની સાથે રેપની ઘટનાનો ખુલાસો થયો છે. કેટલીક પીડિતાઓએ કોર્ટમાં કહ્યું છે કે તેમને નશીલી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. માર મારવામાં આવતો હતો. બળાત્કાર ગુજારવામાં આવતો હતો.
કેટલીક બાળકીઓને પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી. કેટલીક પીડિત બાળકીઓ સવારે નિઃવસ્ત્ર મળી આવતી હતી. મુજફ્ફરનગરના એસએસપી હરપ્રિત કૌરે કહ્યું છે કે તબીબોની ટીમ દ્વારા રૂમમાં મુકવામાં આવેલી દવાઓમાં તપાસ હાથ ધરાઈ છે. આ મામલાને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે. આ વર્ષે મે મહિનામાં ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સના ઓડિટ દરમિયાન ખુલાસો થયો હતો કે શનિવાર સુધી કુલ ૩૪ યુવતીઓની સાથે યૌન શોષણ અથવા તો બળાત્કાર ગુજારવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં અગાઉ ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેટલીક યુવતીઓ લાપત્તા હોવાની બાબત પણ ખુલી હતી. હવે આ મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ થઈ રહી છે.