અમદાવાદ: શહેરના છારાનગરમાં બે દિવસ પહેલાં મોડી રાતે પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ધર્ષણ બાદ પોલીસે છારાનગર વિસ્તારમાં મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને ઘરમાં ઘૂસી ઘૂસીને માર મારવાના ચકચારભર્યા પ્રકરણમાં આજે છારાનગરના સ્થાનિક રહીશો દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
છારાનગરથી કુબેરનગર પોલીસ ચોકી સુધી નીકળેલી આ વિશાળ રેલીમાં મહિલાઓ, બાળકો, યુવાનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં જાડાયા હતા. સૌથી નોંધનીય વાત તો એ હતી કે, રેલીમાં જોડાયેલ મહિલાઓ, યુવાનો અને વૃધ્ધોએ કુબેરનગર પોલીસ ચોકી જઇ છારાનગરમાં નિર્દોષ મહિલાઓ અને વૃધ્ધો પર અમાનવીય અત્યાચાર ગુજારનાર પોલીસના જ માણસો કર્મચારીઓ-અધિકારીઓને ગુલાબના ફુલ આપી ગાંધીગીરીના પાઠ ભણાવવાનો અનોખો પ્રયાસ થયો હતો. આ દ્રશ્યો જોઇ સ્થાનિક રહીશો પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા. રેલી એકંદરે શાંતિપૂર્ણ અને સફળ રહી હતી.
રેલીમાં જાડાયેલા છારાનગરના સ્થાનિક રહીશોની એક જ માંગણી હતી કે, પોલીસ અત્યાચાર અને અમાનવીય જુલમ ગુજારવાના પ્રકરણમાં જે કોઇ જવાબદાર પોલીસ કર્મચારી કે અધિકારી હોય તેઓની વિરૂધ્ધ કાયદાનુસાર પગલાં ભરવામાં આવે. રેલીમાં છારાનગરના નાના બાળકોએ પણ હાથમાં હૃદયસ્પર્શી સંદેશા રજૂ કરતા પ્લેકાર્ડ દર્શાવી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ છારાનગરના પ્રકરણમાં પોલીસ દ્વારા પકડાયેલા ૨૫ લોકોને મોડી રાતે જયારે મેજિસ્ટ્રેટના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર કરાયા ત્યાર તમામ આરોપીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ દ્વારા તેમની પર અમાનવીય અત્યાચાર ગુજારાયો હોવાની ગંભીર ફરિયાદ કરી હતી. જેમાં જોઇન્ટ કમિશનર અશોક યાદવ, સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વીરાણી અને ઇજાગ્રસ્ત પીએસઆઇ ડી.કે.મોરી અને એક મહિલા પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં તેઓને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. જો કે, મેજિસ્ટ્રેટે તમામ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા.
મૂળ બનાવ એવો હતો કે, કુબેરનગર અને છારા નગરમાં ધમધમી રહેલા દારૂ જુગારના અડ્ડા પર દરોડા પાડવા તેમજ પેટ્રોલિંગ કરવા માટે નીકળેલા સરદારનગર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ પીએસઆઇ ડી.કે. મોરી અને તેમની ટીમ પર શનિ ગારંગે સહિત કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ એક હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ છારા નગરમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું અને લોકોના વાહનોને તોડફોડ કર્યાં હતાં અને છારા સમાજના કેટલાક લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લોકોના ઘરમાં ઘૂસીને મહિલાઓ, બાળકો સહિત લોકો પર લાઠીઓ વરસાવી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ વકીલ, એક સ્ટેજ કલાકાર અને પ્રેસ ફોટોગ્રાફર સહિત ૨૯ લોકોની અટકાયત કરી હતી.